Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

શેરબજારને ટાઢિયો તાવઃ માંદગીના ખાટલેઃ સેન્સેકસ-નિફટીમાં જંગી ગાબડા

બપોરે ૨ વાગ્યે સેન્સેકસ ૫૬૮ અને નિફટી ૧૭૮ પોઈન્ટ ડાઉનઃ ડોલર સામે રૂપિયો ૩૨ પૈસા તૂટી ૭૨.૫૩ ઉપર ટ્રેડ કરે છે : રીયલ્ટી, ઓટો, ટેલીકોમ, બેન્ક, ફાયનાન્સ શેરોમાં ભારે વેચવાલીઃ મીડકેપ અને સ્મોલ કેપ ડાઉનઃ એકસીસ, યશ બેન્ક, એસબીઆઈ, કોટક બેન્ક, ટાટા સ્ટીલ, રીલાયન્સ, એરટેલ, એનટીપીસી, પીસીએસ ડાઉન

મુંબઈ, તા. ૨૪ :. આજનો દિવસો શેરબજાર માટે સારો નથી રહ્યો. ડોલરના મુકાબલે રૂપિયો તૂટતા આજે પણ સેન્સેકસ અને નિફટીમાં ગાબડા પડયા છે. બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૫૬૮ ઘટીને ૩૬૨૭૩ અને નીફટી ૧૭૮ પોઈન્ટ ઘટીને ૧૦૯૬૪ ઉપર ટ્રેડ કરે છે. નિફટીએ ૧૧૦૦૦ની સપાટી તોડી છે તો બીજી તરફ ડોલર સામે રૂપિયો પણ ૩૨ પૈસા તૂટીને ૭૨.૫૩ ઉપર ટ્રેડ કરે છે.

શેરબજારમાં આજે રીયલ્ટી, ઓટો, ટેલીકોમ, બેન્ક, ફાયનાન્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. મીડકેપ અને સ્મોલ કેપ પણ ડાઉન જોવા મળ્યા છે. ગુરૂવારે એફએન્ડઓ સપ્ટેમ્બર સીરીઝની એકસપાયરી અગાઉ આજે બજારમાં જોરદાર વેચવાલી નીકળી હતી.

શુક્રવારે રોકાણકારોને ધ્રુજાવી નાખ્યા બાદ આજે ફરી શેરબજારમાં કોહરામ મચ્યો છે. બેન્કીંગ સેકટરમાં એકસીસ, યશ બેન્ક, એચડીએફસી બેન્ક, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, કોટક બેન્કમાં ઘટાડો જોવા મળ્યો હતો તો બીજી તરફ કોલ ઈન્ડીયા, એનટીપીસી, સન ફાર્મા., ટાટા સ્ટીલ, રીલાયન્સ, એરટેલ, ટીસીએસમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નિષ્ણાતો હાલ ફાયનાન્સીયલ કંપનીઓથી દૂર રહેવા સલાહ આપે છે. આવતા ૮ - ૧૦ દિવસ બજારમાં ઉથલપાથલ રહે તેવી શકયતા છે.

જાણકારોના કહેવા મુજબ રૂપિયામાં નરમાશ અને ક્રૂડમાં તેજીની અસર બજાર ઉપર જોવા મળી છે. ક્રૂડ ફરીથી ૭૯ ડોલર ઉપર પ્રતિ ડોલર પહોંચી ગયુ છે.

(3:23 pm IST)