Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

૨૦૧૯ના અંત સુધીમાં ભારતને ૧૦૦ Gbps ઇન્ટરનેટ સ્પીડ મળશે

હૈદરાબાદ તા. ૨૪ : કંગાળ ઈન્ટરનેટ સ્પીડ ભારતમાં લોકોની મોટી ફરિયાદ છે, પણ આવતા વર્ષના અંત સુધીમાં આ સમસ્યા દૂર થઈ જવાની ધારણા છે. ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન ડો. કે. સિવનનું કહેવું છે કે ૨૦૧૯ની સાલના અંત સુધીમાં ભારતને ૧૦૦ Gbps ઈન્ટરનેટ સ્પીડ મળતી થઈ જશે, જે હાલ આશરે ૧૦ mbps કરતાં પણ ઓછી છે.

સિવને કહ્યું છે કે ૨૦૧૭માં અવકાશમાં લોન્ચ કરાયેલા ભારતના કૃત્રિમ ઉપગ્રહ GSAT-19, તેમજ હજી લોન્ચ કરવાના બાકી છે તે GSAT-11, GSAT-29 અને GSAT-20 બધા સાથે મળીને હાઈ બેન્ડવિથ કનેકિટવિટી પૂરી પાડશે અને ડિજિટલ સેકટરમાં જે અંતર છે તે દૂર કરી દેશે.

જિયો ફાઈબરે ખાતરી આપી છે કે એ ભારતીયોને એટલી બધી ઈન્ટરનેટ સ્પીડ આપશે કે ભારતીયોએ અત્યાર સુધી કયારેય જોઈ નહીં હોય, પણ ઈસરોના ચેરમેને કહ્યું છે કે દેશભરમાં 100 Gbps ઈન્ટરનેટ સ્પીડ મળશે.

ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યાની દ્રષ્ટિએ દુનિયામાં ભારત બીજા નંબરે છે, પણ હાલની બ્રોડબેન્ડ એવરેજ સ્પીડની દ્રષ્ટિએ ભારતનો નંબર ૧૪૯ દેશોમાં ૮૯મો છે. ૨૦૧૭ના ડિસેમ્બરના અંત સુધીમાં ભારતમાં ૪૮ કરોડ ૧૦ લાખ ઈન્ટરનેટ યુઝર્સ નોંધાયા હતા. દેશની કુલ વસ્તીનો આ ૩૫ ટકા હિસ્સો થાય.

દુનિયામાં સૌથી વધુ ઈન્ટરનેટ સ્પીડ ધરાવતા દેશોની યાદીમાં સાઉથ કોરિયા પહેલા નંબરે છે. ત્યાં ૨૮.૬ mbps સ્પીડ મળે છે. ટોપ-૫માં અન્ય છે – નોર્વે (૨૩.૫), સ્વીડન (૨૨.૫), હોંગકોંગ (૨૧.૯) અને સ્વિટ્ઝરલેન્ડ (૨૧.૭)

(11:34 am IST)