Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આસામઃ સ્કુલના પુસ્તકમાં ગુજરાતના રમખાણોનો ઉલ્લેખઃ હોબાળોઃ ૪ સામે FIR

ધો. ૧૨ના પુસ્તકમાં લખાયુ છે કે ૨૦૦૨ના રમખાણો વખતે 'મૂકદર્શક' હતી મોદી સરકારઃ ભાવિ છાત્રોને ભ્રમિત કરવાનો આરોપ : પ્રકાશક - લેખક ખોટી માહિતી આપે છે : SITએ પીએમને આપી દીધી છે કિલનચીટ : રિપોર્ટનું અપમાન

નવી દિલ્હી તા. ૨૪ : આસામમાં ૩ લેખકો અને ટોચના પ્રકાશક વિરૂધ્ધ FIR નોંધવામાં આવી છે. ફરિયાદીને રાજ્યના ધો. ૧૨ના રાજનીતિ વિજ્ઞાનના પુસ્તકમાં ગુજરાતના રમખાણો સાથે જોડાયેલ અંશ સામે વાંધો છે. ૨૦૦૨માં રમખાણો વખતે ગુજરાતમાં મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર હતી. FIRમાં ચારેય સામે 'આપણા જાતીતા વડાપ્રધાનને લઇને ભાવિ છાત્રોને ભ્રમિત' કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

ગુવાહાટી સ્થિત આસામ બુક ડીપો દ્વારા પ્રકાશિત ૩૯૦ પાનાનું આ પુસ્તક અસલમાં એક ગાઇડ બુક છે જે NCERTના પાઠયક્રમ અનુસાર લખવામાં આવેલ છે.

૨૦૦૬માં પહેલીવાર છપાયેલી ગાઇડ બુકમાં 'Recent issues and challengesના નામના અંતિમ ચેપ્ટરમાં 'Godhra incident and antimuslim Riot in Gujarat'ના નામનું એક સેકશન છે.

પૃષ્ઠ નં. ૩૭૬ પર આસામી ભાષામાં લખાયું છે કે, આ ઘટનામાં (કોચને આગ લગાડવામાં) ૫૭ લોકોના મોત થયા હતા. જેમાં મહિલાઓ અને બાળકો હતા આ શંકાના આધારે કે આ ઘટના પાછળ મુસ્લિમો છે તો બીજા દિવસે ગુજરાતના વિવિધ ભાગોમાં મુસ્લિમો ઉપર ર્નિદયતાથી હુમલા થયા હતા. હિંસાચાર ૧ મહિનો ચાલ્યો અને હજારથી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોના મોટાભાગના મુસ્લિમો હતા. એ બાબત અફસોસજનક હતી કે હિંસા વખતે મોદીના નેતૃત્વવાળી સરકાર મૂકદર્શક હતી એવો પણ આરોપ હતો કે રાજ્યના વહીવટી તંત્રએ હિન્દુઓની મદદ કરી હતી.

ફરિયાદ ઇ-ડાકથી ગોલાઘાટ પોલીસ સ્ટેશને ૧૫ સપ્ટેમ્બરે મોકલાઇ હતી. જેમાં જણાવાયું છે કે, તમે સારી રીતે જાણો છો કે સુપ્રિમ કોર્ટની નજર હેઠળ SITએ ૧૨ સપ્ટે. ૨૦૧૧ના રોજ મોદીને કિલન ચીટ આપી છે. ફરિયાદી સૌમિત્ર ગોસ્વામી અને મનવા જ્યોતિ બોરાએ કહ્યું છે કે, પુસ્તક ભાવિ છાત્રોને પીએમ અંગે ભ્રમિત કરે છે. પ્રકાશકની સાથે લેખક પણ ખોટી સાંપ્રદાયિક માહિતી આપે છે અને સુપ્રિમ કોર્ટની નજરવાળી SITના રિપોર્ટનું અપમાન થયું છે.

ઙ્ગગોલાઘાટના એસપીએ કહ્યું છે કે, એફઆઇઆર નોંધાઇ ગઇ છે. મામલો તુરંતમાં ગુવાહાટી પોલીસને સોંપાશે કારણ કે પ્રકાશકની ઓફિસ ત્યાં છે. આસામ બુક ડિપો ૯૦ વર્ષ જુનુ છે. ત્રણેય લેખકો વિવિધ કોલેજના શિક્ષકો છે.

ફરિયાદી ગોસ્વામીએ જણાવ્યું છે કે, એ કહેવું કે, ગુજરાત સરકાર મૂકદર્શક હતી તેનો અર્થ છે કે તેણે હિંસાને સમર્થન આપ્યું. વાસ્તવિકતા એ છે કે, ૨૦૧૧માં વડાપ્રધાનને કલનચીટ મળેલ છે. પુસ્તકમાં આનો ઉલ્લેખ કેમ નથી. આ પુસ્તક ભ્રમ ફેલાવે છે તેના ઉપર પ્રતિબંધ મૂકાવો જોઇએ.

આસામ બુક ડેપોનું કહેવું છે કે, પુસ્તક માર્ચ ૨૦૧૮માં છપાયું છે. કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નથી. અમે ફેરફાર કરવા તૈયાર છીએ. જોકે એક લેખકે કહ્યું છે કે, અમે NCERT સિલેબસ મૂજબ પુસ્તક લખ્યું છે.(૨૧.૧૪)

 

(11:28 am IST)