Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ.૯૦.૦૮: ડીઝલ રૂ.૭૮.૫૮નું

આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવઃ પેટ્રોલમાં ૧૧ પૈસા તો ડીઝલમાં ૫ પૈસા વધ્યાઃ ૧લી ઓગસ્ટથી એકધારા ભાવ વધી રહયાં છેઃ સરકારે આંખે પાટા બાંધી લીધા હોવાનું ચિત્ર

નવીદિલ્હી તા૨૪: પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ચાલુ જ છે. ૧લી ઓગસ્ટથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતાં જે હજુ સુધી ચાલુ જ છે. ફકત ૧૩ ઓગસ્ટે થોડા સસ્તા થયા હતાં. આજે દેશના આર્થિક પાટનગર મુંબઇમાં પહેલીવાર પેટ્રોલના ભાવ ૯૦ રૂપિયાની ઉપર પહોંચી ગયા છે.

આજે પેટ્રોલમાં ૧૧ પૈસા અને ડીઝલમાં પ પૈસા પ્રતિ લીટર ભાવવધારો થયો છે. જે પછી દિલ્હીમાં પેટ્રોલ  ૮૨.૭૨ રૂપિયા પ્રતિ લીટર થયું છે તો ડીઝલનો ભાવ ૭૪.૦૨ પેૈસા થયો છે.

મુંબઇમાં પેટ્રોલ રૂ. ૯૦.૦૮ પૈસા લીટર તો ડીઝલ રૂ. ૭૮.૫૮નું લીટર થયું છે. કોલકતામાં ૮૪.૫૪ અને ૭૫.૮૭ તો ચેન્નાઇમાં પેટ્રોલ ૮૫.૯૯ તથા ડીઝલ ૭૬.૨૬નું થયું છે.

છેલ્લા થોડા દિવસથી ડીઝલના ભાવ વધતા ન્હોતા પણ આજે એ ક્રમ તુટી ગયો છે.

રોજેરોજ બંને ઇંધણના ભાવ વધી રહયાં છે લોકોમાં આ ભાવ વધારા સામે પ્રચંડ રોષ છે તો બીજી તરફ સરકાર કોઇ રાહત આપે તેવી શકયતા દેખાતી નથી. ડોલર સામે રૂપિયો નબળો પડતા બંને ઇંધણ મોંઘા થઇ રહયા છે.

રવિવારે પણ પેટ્રોલમાં ૧૭ પૈસા તો ડીઝલમાં ૧૦ પૈસા વધ્યા હતાં. (૧.૨)

(11:27 am IST)