Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

અરુણ જેટલી જમ્મુના જમાઈ હતા :જમ્મુના કદાવર ગજાના કોંગી નેતા ગિરધારી લાલ ડોગરાની પુત્રી સંગીતા સાથે તેમના લગ્ન થયેલ

ભાજપના દિવંગત નેતા અરુણ જેટલી જમ્મુના જમાઈ હતા. જમ્મુના મોટા ગજાના નેતા સ્વર્ગસ્થ ગિરધારી લાલ ડોગરાની પુત્રી સંગીતા સાથે તેમના લગ્ન થયા હતા.જમ્મુ-કાશ્મીર સાથે તેમનો ખૂબ જ નજીકનો સંબંધ રહ્યો છે અને સંખ્યાબંધ વખત દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના હિતોના સંરક્ષક બનીને તેઓ ઉભરી આવ્યા હતા. ખાસ કરીને જમ્મુના હિતોની લડાઈ તેમણે બખૂબી આગળ ધપાવી હતી. અખિલ વિદ્યાર્થી પરિષદના નેતા હોવાના નાતે યુવાન વયમાં જેટલી આર્ટીકલ 370 ના વિરોધમાં જમ્મુ-કાશ્મીર આવતા જતા રહ્યા હતા. જમ્મુ કાશ્મીર સાથે ખાસ લગાવ રાખવાવાળા ભાજપના વરિષ્ઠ નેતાના નિધનથી શોકની લહેર પ્રસરી ગઇ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈના સહિત સંખ્યાબંધ વરિષ્ઠ નેતાઓએ તેમના નિધનથી ઉંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

           ૧૯૮૨ માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ ગિરધારી લાલ ડોગરાની પુત્રી સંગીતા સાથે લગ્ન પછી જમ્મુ સાથે જેટલી નો એક વિશેષ સંબંધ બની ગયો હતો.પ્રત્યેક વર્ષે ગિરધારી લાલજીની પુણ્યતિથી ઉપર ના કાર્યક્રમમાં જેટલીજી અચૂક સામેલ થતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જોડાયા હતા. જમ્મુ-કશ્મીરના વિધાનસભાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નિર્મલ સિંહના કહેવા મુજબ અરુણ જેટલી 1978ના વર્ષથી જમ્મુમાં સક્રિય બન્યા હતા. અમે તેમને ભાજપના ચાણક્ય તરીકે વર્ણવતા રહ્યા હતા.તેમના યોગદાનથી જમ્મુમાં ભાજપ સતત મજબૂત બનતી ગઈ હતી. જમ્મુ-કાશ્મીરને દેશ સાથે મજબૂતીથી જોડવામાં તેમણે અહમ ભૂમિકા નિભાવી. કેન્દ્રીય નાણામંત્રી તરીકે રહેલા અરુણ જેટલીને તેમના પત્ની સંગીતા જેટલીએ જનકલ્યાણ કાર્યો માટે સતત પ્રેરણા આપી હતી. (સુરેશ ડુગર દ્વારા)

   
(5:54 pm IST)