Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

આતંકવાદ વિરોધી લડતમાં યુએઈએ ભારતને હંમેશા સાથ આપ્યો છે: આર્ટીકલ ૩૭૦ નો નિર્ણય બંધારણીય મર્યાદામાં રહીને લેવાયો છે: તેની અસર ભારત-યુએઈના સંબંધો ઉપર નહીં પડે: નરેન્દ્રભાઈ

વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આજે યુએઇની મુલાકાતે છે, તેમણે સ્થાનિક અખબાર ને આપેલ એક મુલાકાતમાં કહ્યું હતું કે આર્ટીકલ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય મર્યાદામાં રહીને લેવાયો છે અને તેની અસર ભારત અને યુએઈ ના સંબંધો ઉપર નહીં પડે. વડાપ્રધાને કહ્યું કે આતંકવાદ વિરોધી ભારતની લડાઈમાં યુએઈએ હંમેશા સાથ આપ્યો છે.  ભારત અને યુએઈ બંને ગાઢ સહયોગી છે અને ભવિષ્યમાં આ સંબંધ વધુ મજબૂત થશે.

      નરેન્દ્રભાઈએ પોતાની સરકારની ઉપલબ્ધિઓ ઉપર ચર્ચા કરતાં કહ્યું હતું કે ૭૫ દિવસમાં સંખ્યાબંધ મોટા નિર્ણયો લેવાયા છે. તેમણે તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ બેયર ગ્રીલ્સના ટીવી શો નો ઉલ્લેખ કરતાં કહ્યું કે ગભરાવાથી સમસ્યાઓનો હલ નીકળતો નથી. વડાપ્રધાનશ્રીએ જણાવેલ કે પોતાના અંગત ફાયદા માટે કેટલાક લોકોએ કાશ્મીર નો વિકાસ રૂંધાયો હતો જેના લીધે કાશ્મીરના યુવાનો માર્ગ ભૂલી આતંકવાદ તરફ વળ્યા હતા

     પાકિસ્તાનનું નામ લીધા વિના નરેન્દ્રભાઈએ સરહદ પારથી થઈ રહેલા આતંકવાદી કૃત્યોની ઝાટકણી કાઢી હતી અને કહેલ કે અમારી ધરતી ઉપર આવા કોઈ કૃત્યો સહન કરવામાં આવશે નહીં. આતંકવાદ વિરોધી લડતમાં સમર્થન આપવા માટે તેમણે યુએઈના શાસકોનો આભાર પણ માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ khaleej times ને આપેલ એક ઈન્ટરવ્યૂમાં મન ખોલીને વાતો કરી હતી.

(4:31 pm IST)