Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

પૂરના નામે શાકભાજીમાં પણ ગ્રાહકો પાસેથી બમણા ભાવ પડાવતા વેપારીઓ

રિટેલ વિક્રેતાઓ પૂરના નામે ગ્રાહકોને લૂંટી રહ્યા હોવાના બનાવોઃ શાકભાજીમાં બમણા ભાવ વધારા કરતાં સામાન્ય નાગરિકો હેરાપરેશાન

મુંબઇ: મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોથી મુંબઇ આવતી શાકભાજીની આવક ઘટવાને કારણે ભાવમાં વધારો થતાં મોટા ભાગની બજારોમાં પૂરના નામે વિક્રેતાઓ ગ્રાહકોને લૂટી રહ્યા હોવાના ઘણા બનાવો પર પ્રકાશ પડ્યો હતો.
રિટેલ માર્કેટમાં મોટા ભાગના શાકભાજીના ભાવ રૂ. ૧૦૦ સુધી પહોંચી ગયાં છે. નાશિક અને પુણેમાં પણ પૂરના પાણી ભરાવાને કારણે કાંદાના પાકને પણ નુકસાન થયું હોવાથી માર્કેટમાં પ્રતિ કિલો રૂ.૩૦ ના ભાવે વેચાઇ રહ્યા છે. વાશીની એપીએમસી માર્કેટમાં દરરોજ ૭૫ ટ્રક ભરીને કાંદાની આવક થતી હતી, જે મંગળવારથી ઘટીને ફક્ત ૨૫ ટ્રક થઇ હોવાથી કાંદાના હોલસેલ ભાવમાં છ અને રિટેલ ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો થયો છે. ઉપરાંત શ્રાવણ મહિનામાં લીલોતરી ભાજીની વધતી માગની સાથે તેના ભાવ પણ આસમાને આંબી રહ્યા છે. સુવા, મેથી, કોથમીર અને
પાલકની એક ઝૂડી રિટેલ ભાવે રૂ. ૩૦માં વેચાઇ રહી હોવાનું નોંધાયું હતું. ઉપરાંત તહેવારોની સીઝનમાં શેરડીના પાકને પણ નુકસાન થયું હોવાથી સાકરના ભાવમાં પણ પાંચ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. એક અઠવાડિયા પહેલા સાકર રૂ. ૩૫ના ભાવે વેચાતી હતી, જ્યારે છેલ્લાં બે દિવસમાં તે ૪૦ રૂપિયા થઇ ગઇ છે. શાકભાજીની સાથે કાંદા અને સાકરના વધી રહેલા ભાવ લોકોના આર્થિક બજેટ પર સીધી અસર કરી રહ્યા છે. રિટેલ બજારમાં ભીંડા ૧૦૦, કોબી ૬૦, ફ્લાવર ૧૦૦, ગાજર ૮૦, કાકડી ૬૦, કારેલા ૮૦, વટાણા ૧૨૦ અને રિંગણા ૮૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યા છે. વાશી ખાતે આવેલી એપીએમસી માર્કેટના વિક્રેતાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શાકભાજીનો બીજો પાક માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી શાકભાજીના ભાવ વધેલા જ રહેશે, રિટેલ બજારમાં ભાજીના ભાવ પર સમિતિનું નિયંત્રણ ન હોવાને કારણે વિક્રેતાઓ ગ્રાહકોને લૂંટી રહ્યા છે.

 

(10:05 am IST)