Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

ભારતમાં હવે ટેમ્પરરી કંઇ પણ નથી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત

ફ્રાંસમાં ભારતીયોને સંબોધન વેળા તમામ મુદ્દા પર વાત કરી : નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, ભાઈ-ભત્રીજાવાદના દૂષણ, જનતાના પૈસાની લૂંટ કરનાર પર ખુબ ઝડપથી કાર્યવાહી થઇ રહી છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ધડાકો

નવીદિલ્હી, તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ફ્રાંસ પ્રવાસના આજે બીજા દિવસે ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી અને મોદી ભારતીયોમાં છવાઈ ગયા હતા. ચારેબાજુ મોદીની ગુંજ જોવા મળી હતી. ફ્રાંસમાં પણ હવે મોદી મોદી થઇ ગયા છે. મોદી મોદી અને ભારત માતા કી જયના નારા વચ્ચે મોદીએ કહ્યું હતું કે, ભારત અને ફ્રાંસ એકસમાન વિચારધારા ધરાવે છે. પોતાના સંબોધનમાં મોદીએ પરોક્ષરીતે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં હવે ટેમ્પરરી નામના કોઇ શબ્દો નથી અને કોઇ વ્યવસ્થા પણ નથી. જે પણ ટેમ્પરરી હતા તેને અમે દૂર કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, જે ટેમ્પરરી હતા તેમને દૂર કરવામાં ૭૦ વર્ષ લાગી ગયા છે.

    તેના ઉપર હસવું જોઇએ કે પછી રડવું જોઇએ તે બાબત સમજાઈ રહી નથી. કલમ ૩૭૦ બંધારણમાં અસ્થાયી જોગવાઈ તરીકે જોડવામાં આવ્યા બાદ આની ટિકા થઇ રહી હતી. મોદીએ કહ્યું હતું કે, બીજી અવધિમાં માત્ર ૭૫ દિવસના ગાળામાં જ સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. પરિવારવાદ, ભ્રષ્ટાચાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, નવા ભારતે સપનોના માર્ગ ઉપર આગેકૂચ કરી દીધી છે. મોદીએ મંચ ઉપર જ્યારે બોલવાની શરૂઆત કરી ત્યારે લોકોએ જોરદાર સ્વાગત કર્યું હતું. મોદીએ ફ્રેચ ભાષામાં પણ લોકોનો આભાર માન્યો હતો. બંને દેશો દરેક ક્ષેત્રોમાં એકબીજાની સાથે છે. ભારત અને ફ્રાંસની મિત્રતા પર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે, ભારતમાં ફ્રાંસની ફુટબોલના જેટલા સમર્થક છે તેમની સંખ્યા ભારતમાં છે તેટલી સંખ્યા ફ્રાંસમાં પણ નથી. જ્યારે ફ્રાંસે વર્લ્ડકપમાં વિજેતા ટ્રોફી જીતી હતી ત્યારે ભારતમાં પણ ઉજવણી થઇ હતી. મોદીએ કહ્યું હતું કે, હાલના દિવસોમાં પેરિસ રામની ભક્તિમાં ગળાડૂબ છે. મોદીએ કહ્યું હતું કે, સામાન્ય વ્યક્તિ રાજનેતા પોતાના વચનો ભુલાવી દે છે પરંતુ ચાર વર્ષ પહેલા જ્યારે તેઓ અહીં આવ્યા હતા જે વચનો આપ્યા હતા તે પુરા થયા છે.

૧૩૦ કરોડ ભારતીય વાસીઓના વિશ્વાસની સાથે ભારત તેજગતિથી આગળ વધી રહ્યું છે. આજ કારણસર અગાઉ કરતા પણ વધારે પ્રચંડ બહુમતિ સાથે સરકારને સમર્થન મળ્યું છે. મોદીએ ફુટબોલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, અમારી સરકારે અનેક અશક્ય ગોલ ફટકાર્યા છે. ફુટબોલ પ્રેમીઓના દેશમાં છે ત્યારે ફુટબોલની ભાષામાં જ મોદીએ તમામની વાત કરી હતી. પોતાની સરકાર માટે કેટલાક ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે. દેશમાં અનેક કુરીતિઓને રેડકાર્ડ પણ પાંચ વર્ષમાં આપી દેવામાં આવ્યા છે. મોદીએ અગાઉની સરકારો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, હવે ટેમ્પરરી નામની કોઇ ચીજો રહી નથી. ટેમ્પરરી ચીજોના ચક્કરમાં દેશ ૭૦ વર્ષ પાછળ જતું રહ્યું હતું. ભારત માતા કી જયના નારા સાથે પોતાના ભાષણની પૂર્ણાહૂતિ કરી હતી. આજે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, પરિવારવાદ, ભાઈભત્રીજા વાદ અને જનતાના પૈસાની લૂંટ કરનાર તથા આતંકવાદ પર જે રીતે કામ થઇ રહ્યું છે તે રીતે અગાઉ ક્યારે પણ કામ થયું ન હતું. નવા ભારતમાં થાકી જવા અને રોકાઈ જવાનો કોઇ પ્રશ્ન નથી. ૭૫ દિવસના ગાળામાં જ એક પછી એક કઠોર નિર્ણય થઇ રહ્યા છે. ત્રિપલ તલાક કાનૂન બનાવવામાં આવ્યું છે. જળશક્તિ માટે નવા મંત્રાલયની રચના થઇ છે. મોદી હૈ તો મુમકીન હૈના નારા લાગ્યા હતા.

(12:00 am IST)