Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગર્ભવતી સ્ત્રીઓને જેલ નહીં પણ જામીન મળવા જોઈએ : પ્રેગ્નન્સી દરમિયાન અને ત્યારપછીના એક વર્ષ સુધી તેના પર કોઈ જાતનું દબાણ ન લાવવું જોઈએ : હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે NDPS એક્ટની આરોપી મહિલાના આગોતરા જામીન મંજુર કર્યા

હિમાચલ પ્રદેશ :  હિમાચલ પ્રદેશ હાઇકોર્ટે નાર્કોટિક એન્ડ સાઈકોટ્રોપિક સબસ્ટન્સીસ  ( NDPS ) એક્ટની આરોપી મહિલાના આગોતરા જામીન મંજુર કર્યા છે. તથા ટિપ્પણી કરી છે કે ગર્ભવતી સ્ત્રીને જેલ નહીં પણ જામીન મળવા જોઈએ . સાથોસાથ સૂચના આપી છે કે  પ્રેગ્નન્સી દરમિયાન અને ત્યારપછીના એક વર્ષ સુધી તેના પર કોઈ જાતનું દબાણ ન લાવવું જોઈએ .

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે ગર્ભવતી મહિલાને જેલમાં પુરવાથી તેના ઉપર માનસિક અને શારીરિક અસર થાય છે. તેની જેલ મોકૂફ રાખવાથી સ્વર્ગ તૂટી નથી પડવાનું .પ્રેગ્નન્ટ મહિલાની  જેલ મોકુફીથી સમાજ તથા રાજ્યને શું ફેર પડી જવાનો છે ? .તેને જેલમાં ધકેલવાની એવી કઈ ઉતાવળ છે ? . પ્રેગ્નન્સી દરમિયાન અને ત્યારપછીના એક વર્ષ સુધી તેના પર કોઈ જાતનું દબાણ લાવવું વ્યાજબી નથી.માતૃત્વ ધારણ કરનાર મહિલાનો આ હક્ક છે.

અલબત્ત તે ગર્ભવતી હોવાથી તેને જેલમાં પણ પૌષ્ટિક ખોરાક આપી શકાય છે. પરંતુ તેના માનસિક સ્વાસ્થ્ય ઉપર ચોક્કસ અસર થાય છે. તેમજ જો જેલમાં તેની પ્રસુતિ થાય તો આવનારા બાળક માટે તેને જબરદસ્ત આઘાત લાગે છે. કારણકે જેલના વાતાવરણની બાળક ઉપર અસર થાય છે. તેવો અભિપ્રાય કોર્ટે વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશની મોનીકા નામક મહિલાના પતિને તથા સાસુને હેરોઇનનો જથ્થો ઘરમાં રાખવા બદલ જેલમાં ધકેલી દેવાયા છે.તે સંજોગોમાં મોનિકાને પોતે ગર્ભવતી હોવા છતાં ધરપકડ થવાનો ડર લાગતા તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)