Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

૨૦૨૪ મોદી વિરૂધ્ધ વિપક્ષનો ચહેરો બનશે મમતા બેનર્જી

દીદીએ આપ્યા સંકેત, પણ કોંગ્રેસ રાખશે માન્ય???

કોલકતા, તા.૨૪: પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં થયેલ વિધાનસભા ચુંટણીમાં પોતાના પક્ષની શાનદાર જીતથી ઉત્સાહીત ટીએમસી પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ૨૦૨૪ની લોકસાભા ચૂંટણીમાં મોદી સરકારને સત્તા પરથી દૂર કરવા માટે વિપક્ષી એકતાનું આહવાન કર્યુ છે. ટીએમસી પ્રમુખ મમતા, જેમણે પોતાની કારકિર્દીની સૌથી અઘરી ચુંટણીઓમાંની એકમાં જીત મેળવ્યા પછી સૌથી મજબૂત વિપક્ષી ચહેરા તરીકે બહાર આવ્યા છે. રાષ્ટ્રીય રાજકારણમાં એક મોટી ભુમિકા નિભાવવાનો પ્રયત્ન કરતા તે સ્પષ્ટ દેખાઇ રહયા છે. આ સપ્તાહની શરૂઆતમાં પક્ષની શહીદ દિવસ રેલીમાં તેમણે પોતાનું વાર્ષિક સંબોધન હિંદી, અંગ્રેજી અને બંગાળીમાં કર્યુ હતું. જેમાં તેમણે વિપક્ષી નેતાઓને મોદી સરકારને સત્તા પરથી ઉતારવા માટે એક થવા અને ગઠબંધનની રચનાની દિશામાં કામ શરૂ કરવા કયું હતું.

ટીએમસીના રાજય મહાસચિવ કુણાલ ઘોષે કહયું કે મમતા બેનર્જી વિપક્ષી રાજકારણના કેન્દ્ર તરીકે ઉપસી આવ્યા છે એ વાતો કોઇપણ ઇન્કાર નહીં કરી શકે. જો તમે તેમના ભાષણો સાંભળશો તો તમને જાણ થશે કે તેઓ ભાજપા વિરોધી મતોને એકત્ર કરવા માંગે છે અને ભાજપા વિરોધી લોકોનું ગઠબંધન કરવા ઇચ્છે છે.

ટીએમસીની નેતાગીરી ભાજપા વિરોધી મોરચો બનાવવા અંગે આશાવાદી છે પણ તેમના માટે બધા વિપક્ષી દળોને પોતાના રાજકીય મતભેદો દૂર કરીને સહીયારા હિત માટે મનાવવાનું કામ બહુ મુશ્કેલ છે. જો કે ટીએમસી પાસે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર છે, જે તેમના માટે બહુ ફાયદાકાર છે. કિશોરે હાલમાં જ એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મુલાકાત કરી હતી. ટીએમસી માટે વિપક્ષી ગઠબંધનમાં સૌથી મોટો અડચણ કોંગ્રેસ જ છે. જેને મનાવવાનું કામ બહુ મુશ્કેલ છે.

(1:11 pm IST)