Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

૧લી ઓકટોબરથી નવું ટ્રેડિંગ અને ડીમેટ ખાતુ ખોલવાવાળાને નોમીનેશનનો વિકલ્પ અપાશે

સેબીનો નવો નિયમ : નોમીનેશન જો કે ફરજીયાત નહિ હોય : ન રાખનારે ડેકલેરેશન ફોર્મ ભરવું પડશે

નવી દિલ્હી તા. ૨૪ : બજાર નિયામક સેબીએ શુક્રવારે કહ્યું કે, એક ઓકટોબરથી નવુ ટ્રેડીંગ અને ડીમેટ એકાઉન્ટ ખોલનારને નોમીનેશનનો વિકલ્પ આપવામાં આવશે. જો કે તેઓ ઇચ્છે તો કોઇને નોમીનેટ કર્યા વગર પણ ખાતું ખોલી શકે છે. સેબીના સર્કયુલર મુજબ તેણે નોમીનેશન ફોર્મનું એક ફોર્મેટ જાહેર કર્યું છે. નોમીનેશન ફોર્મ ના ભરવાની સ્થિતિમાં એક ડીકલેરેશન ફોર્મ ભરવું પડશે તેનું પણ ફોર્મેટ બહાર પાડયું છે. વર્તમાન ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સે ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં નોમીનેશન ફોર્મ ભરવા જરૂરી છે. નોમીનેશન સુવિધા ના જોઇતી હોય તો તેનું એક અલગ ફોર્મ ભરવું પડશે. નોમીનેશન અથવા ડેકલેરેશન ફોર્મ ના ભરે તેના ખાતા ફ્રીઝ થઇ જશે.

એકાઉન્ટ હોલ્ડર્સે નોમીનેશન અને ડેકલેરેશન ફોર્મ પર સહી કરવાની રહેશે. જો એકાઉન્ટ હોલ્ડર અંગુઠાનું નીશાન લગાવે તો ફોર્મમાં સાક્ષીની સહી જરૂરી રહેશે. સર્કયુલર અનુસાર ઇ-સાઇન સુવિધાનો ઉપયોગ કરીને ઓનલાઇન નોમીનેશન અને ડીકલેરેશન ફોર્મ પર સહી કરી શકાય છે અને તે સ્થિતિમાં સાક્ષીની જરૂર નહીં પડે.

ડીમેટ અને ટ્રેડીંગ એકાઉન્ટ હોલ્ડર એ નક્કી કરી શકે છે કે તેના અવસાન પછી તેના શેર કોને મળે ડીમેટ ખાતુ ખોલાવતી વખતે નોમીનેશન કરાવી શકાય છે. જો કે નોમીનીના નામમાં પછીથી અપડેટ પણ કરી શકાય છે. કોઇ એનઆરઆઇને પણ નોમીની બનાવી શકાય છે. જો કે ડીમેટ એકાઉન્ટમાં વધુમાં વધુ ૩ લોકોને નોમીની બનાવી શકાય છે. જો બે અથવા વધરે નોમીની હોય તો તેમની હિસ્સેદારી નક્કી કરવી પડશે. ખાતાધારકના અવસાન પછી તેમને તે મુજબ શેર મળશે.

(1:10 pm IST)