Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

હિમાલય જેટલુ દેવુઃ વોડાફોન આઈડીયા દેવાળુ ફુંકવાની તૈયારીમાં

સુપ્રિમ કોર્ટે એજીઆર મામલે ટેલીકોમ કંપનીઓની અરજી ફગાવી દેતા વોડાફોન આઈડીયાને લાગ્યો ફટકોઃ ફંડ મેળવવાના પ્રયાસો અટકી ગયા : કંપની ઉપર ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનું દેવુઃ કેશ બેલેન્સ માત્ર ૩૫૦ કરોડ રૂપિયાઃ અસ્તિત્વ ટકાવી રાખવા ફાંફાઃ તમામ દરવાજાઓ બંધઃ એજીઆરના જ રૂ. ૫૮૭૫૪ કરોડ પેન્ડીંગઃ સરકાર હાથ નહી ઝાલે તો કંપની દેવાળુ ફુંકશે એ નક્કી

નવી દિલ્હી, તા. ૨૪ :. વોડાફોન આઈડીયા, ભારતીય એરટેલ સહિતની ટેલીકોમ કંપનીઓ દ્વારા સરકારને ચૂકવવાના થતા એજીઆર પેટેના બાકી લેણાની ગણતરીમાં કથીત ભૂલો થઈ હોવાનો આરોપ મુકતી અરજીઓ સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફગાવી દેતા આ કંપનીઓને માઠી અસર થઈ છે. વોડાફોન આઈડીયાએ ૫૮૭૫૪ કરોડ, એરટેલે ૪૩૯૮૦ કરોડ, આરકોમે ૨૪૧૯૪ કરોડ, ટાટા ટેલીકોમે ૧૨૬૦૧ કરોડ અને એરસેલે ૧૨૩૮૯ કરોડ ચુકવવાના થાય છે. સુપ્રિમ કોર્ટે એજીઆર મામલે ટેલીકોમ કંપનીઓની અરજી ફગાવી દેતા ભારે દેવામાં ડૂબેલ ટેલીકોમ કંપની વોડાફોન આઈડીયાની મુશ્કેલી વધતી જાય છે. કોર્ટે અરજી ફગાવી દેતા વોડાફોન આઈડીયાની ફંડ મેળવવાના પ્રયાસોને અસર થઈ શકે છે. એનાલીસ્ટોનું કહેવુ છે કે વોડાફોન આઈડીયા પાસે હવે દેવાળુ ફુંકવાની અરજી કર્યા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.

એનાલીસ્ટોનું કહેવુ છે કે ટેલીકોમ માર્કેટમાં જારી સ્પર્ધાને જોતા કંપની હાલ ટેરીફ વધારવાની સ્થિતિમાં નથી. એવામાં જો સરકાર તરફથી કોઈ મોટુ રાહત પેકેજ નહિ મળે તો આવતા વર્ષે એપ્રિલ પછી આ કંપનીએ પોતાનુ વજુદ ટકાવવાનું મુશ્કેલ બનશે. અમેરિકાની રીસર્ચ ફર્મ વિલીયમ ઓનીલ એન્ડ કંપનીની ભારતીય યુનિટમાં રીસર્ચના હેડ મયુરેશ જોષીનું કહેવુ છે કે વોડાફોન આઈડીયા પાસે વિકલ્પ ઝડપથી ઘટી રહ્યા છે. એજીઆર પર સુપ્રિમ કોર્ટના ફેંસલાથી કંપનીની ફંડ મેળવવાની તૈયારીને અસર થઈ શકે છે. તેમ ઈકોનોમિક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે.

તેમણે કહ્યુ હતુ કે કંપનીએ આવતા વર્ષે એપ્રિલ સુધીમાં ૨૪૦૦૦ કરોડ ચૂકવવાના છે અને ફંડીંગ વગર તે પુરા કરવાનું મુશ્કેલ છે. જો કંપની પાસે બધા વિકલ્પો બંધ થઈ જાય તો પછી ટેલીકોમ સેકટરમાં માત્ર બે જ કંપનીઓ એટલે કે રીલાયન્સ જીયો અને એરટેલ બચી જશે. સુપ્રિમ કોર્ટે ગઈકાલે વોડાફોન અને એરટેલની અરજી ફગાવી દીધી હતી. આ કંપનીઓએ ટેલીકોમ વિભાગ દ્વારા એજીઆર ગણતરીમા સુધારા માટે અરજી દાખલ કરી હતી.

એક ટોચના ગ્લોબલ બ્રોકરેજના એનાલીસ્ટનું કહેવુ છે કે વોડાફોન આઈડીયા ટૂંક સમયમાં જ બેન્કરપ્સી એટલે કે દેવાળુ ફુંકવા તરફ આગળ વધી શકે છે કારણ કે એજીઆર પેન્ડીંગના મામલામાં તેની પાસે વિકલ્પો પુરા થઈ ગયા છે. કોર્ટના ફેંસલા બાદ સંભવિત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ પણ ફંડીંગ આપવાનુ વચન પરત લઈ લે તેવી શકયતા છે. કંપની ઉપર ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનું દેવુ છે જ્યારે માત્ર ૩૫૦ કરોડ રૂપિયાની જ કેશ બેલેન્સ છે.

કંપની છેલ્લા ૧૦ મહિનાથી ૨૫૦૦૦ કરોડ રૂપિયા મેળવવાના પ્રયાસમાં છે પરંતુ પ્રયાસ સફળ થયો નથી. કંપનીએ ફંડ માટે ઓકહીલના નેતૃત્વવાળા કન્સોર્ટીયમ અને અમેરિકાની પ્રાઈવેટ ઈકવીટી ફર્મ કેકેઆર અને એપોલો ગ્લોબલ સાથે પણ વાત કરી હતી. કંપની ઉપર ૫૮૨૫૪ કરોડ રૂપિયાનુ એજીઆરનું દેવુ છે. કંપનીએ ૭૮૫૪ કરોડ રૂપિયા ચૂકવ્યા છે બાકીની રકમ તેણે ૨૦૩૧ સુધીમાં ૧૦ હપ્તામાં ચૂકવવાની છે.વોડાફોને ચોથા ત્રિમાસિક પરિણામની જાહેરાત દરમિયાન કહ્યુ હતુ કે તેણે સુપ્રિમ કોર્ટથી રાહત મળવાની શકયતા છે. આનાથી તેનુ એજીઆર અડધુ થઈ જશે. ગઈકાલે સુપ્રિમના આદેશ બાદ વોડાફોન આઈડીયાના શેરના ભાવ પણ ઘટી ગયા હતા.

(11:33 am IST)