Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

સ્ટીલ કીંગ લક્ષ્મી મિત્તલના ભાઇ પ્રમોદ મિત્તલની બોસ્નિયામાં ધરપકડ

નવી દિલ્હી : જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલના નાનાભાઇ પ્રમોદ મિત્તલની બોસ્નિયામાં ધરપકડ કરવામાં આવી છે. પ્રમોદ  પણ સ્ટીલના ઉદ્યોગપતિ છે અને વિશ્વના અનેક દેશોમાં વેપાર કરે છે. બોસ્નિયાના  એક સરકારી વકિલના જણાવ્યા મુજબ છેતરપીંડી અને પદના દુરૂપયોગ કરવાના આરોપમાં ધરપકડ કરાઇ છે. જો કે બોસ્નિયા પોલીસે આ અંગે વધુ માહિતી નથી આપી.

પ્રમોદ મિત્તલ સ્ટીલ કંપની જીઆઇકેઆઇએલનું સંચાલન કરે છે. તેઓ  કંપનીના સુપરવાઇઝરી બોર્ડના અધ્યક્ષ પણ છે. કંપની બોસ્નિયાની ટોપ એકસપોર્ટમાં સામેલ છે.

બોસ્નિયાના પ્રોસીકયુશન વિભાગના અધિકારી કૈજીન સેરથાલીકે જણાવેલ કે પ્રમોદ મિત્તલ સિવાય જીઆઇકે આઇએલના જનરલ મેનેજર પરમેશ ભટાચાર્ય અને રાજીવ દાસની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજીવ દાસ કંપનીના બોર્ડ મેમ્બર છે. તેમને  સંગઠીત અપરાધ કરવાની શંકા અને પદનો દુરૂપયોગ કરવાના ગુનામાં પકડવામાં આવ્યા છે. આ બધુ વર્ષ ૨૦૦૩ થી ચાલતુ હોવાનું જણાવ્યુ છે. પ્રમોદ મિત્તલ અને અન્ય આરોપીઓ ઉપર ૨.૮ મીલીયન ડોલરની હેરાફેરીનો આરોપ છે.

જીઆઇકેઆઇએલ તરફથી  આ મામલે  કોઇ પ્રતિક્રિયા નથી આવી. મળતી વિગતો મુજબ તેમને ઉતરી બોસ્નિયાના લુકાવાક સ્થિત કંપનીના કેમ્પસમાં રખાયા છે. અધિકારીઓ કંપનીની તલાશી લઇ રહ્યા છે. આગળની કાર્યવાહી માટે તેમને તુજલા પ્રોસીકયુશન ડીપાર્ટમેન્ટ લઇ જવાશે. બેસ્નિયાના ગૃહ ખાતાએ પણ આ બનાવની પુષ્ટી કરી છે.

(3:27 pm IST)