Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અયોધ્યામાં ભગવાન રામની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા બનશે

યુપીના પ્રવાસન વિભાગનાં વિકાસ માટે યોગી સરકારનો નિર્ણય

લખનૌ, તા.૨૪: ઉત્તર પ્રદેશમાં પ્રવાસન વિભાગના વિકાસ માટે અને ભાગવાન રામની જન્મભૂમિ અયોધ્યા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે યોગી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત અયોધ્યામાં ભગવાન રામની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમા અયોધ્યામાં સરયૂ નદીના કિનારે ૧૦૦ હેલ્ટર ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રતિમાની ઊંચાઇ ૨૫૧ મીટર નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી છે, જેની ઊંચાઇ ૧૮૨ મીટર છે.

આ મુદ્દે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં સોમવારે લખનૌમાં મિટિંગ થઈ. આ મિટિંગમાં મુખ્યમંત્રીએ ભગવાન રામની પ્રતિમાનું કામ ઝડપી કરવાનું કહ્યું અને સાથે-સાથે અયોધ્યાના સમગ્ર વિકાસની યોજના પર પણ કામ કરવાનું કહ્યું. બેઠકમાં ઉપ-મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા, નગર વિકાસ મંત્રી સુરેશ ખન્ના અને ઔદ્યોગિક વિકાસ મંત્રી સતિશ મહાન સહિત દ્યણા મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પ્રતિમાના સ્થળ પર ભગવાન રામ પર આધારિત ડિજિટલ મ્યૂઝિયમ, લાઇબ્રેરી, ઇન્ટરનેશનલ સેન્ટર, પાર્કિંગ, ફૂડ પ્લાઝાની સાથે-સાથે પ્રવાસીઓની જરૂરિયાતની મૂળભૂત વ્યવસ્થાઓ સ્થાપવાના પણ આદેશ આપ્યા.

આ મિટિંગમાં નક્કી થયું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ટ્રસ્ટની રચના કરવામાં આવશે. ટ્રસ્ટનું નામ અને સદસ્ય પણ નક્કી કરવામાં આવશે. પહેલાં ડિઝાઇન કંસલટેન્ટ માટે રાજકીય નિર્માણ નિયમ બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને નિરસ્ત કરી નવેસરથી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સાથે-સાથે ગુજરાત સરકાર સાથે ટેકિનકલ સહાય અને માર્ગદર્શન માટે MOU પણ સાઇન કરવામાં આવ્યા છે.

(11:36 am IST)