Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

37 ધારાસભ્યોની સહી લઈને બળવાખોર નેતા એકનાથ શિંદેએ લખ્યો ડેપ્યુટી સ્પીકરને પત્ર

શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક કરવા અને પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની કરી ભલામણ

મહારાષ્ટ્રનાં રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ મચેલી છે એવામાં બળવાખોર ધારાસભ્યોનું ગ્રૂપ ગુવાહાટીમાં એક હોટલમાં રોકાયેલું છે જ્યાં તેમણે એકનાથ શિંદેને પોતાનાં નેતા તરીકે પસંદ કરી લીધા છે. 

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને પત્ર લખીને શિવસેનાનાં ધારાસભ્ય મંડળનાં નેતા તરીકે તેમની નિમણૂક અને પક્ષના મુખ્ય દંડક તરીકે ભરતશેટ ગોગાવાલેની નિમણૂક અંગે ફરી રજૂઆત કરી હતી. 

જો કે શિવસેના અને સરકાર માટે ચિંતાની બાબત એ છે કે 37 ધારાસભ્યોએ આ પત્રમાં સહી કરી દીધી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનાએ શિંદેને મહારાષ્ટ્ર વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા હતા. શિંદેના સ્થાને અજય ચૌધરીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા. આ પછી બુધવારે શિવસેના તરફથી વ્હીપ જારી કરીને ધારાસભ્યોને ધારાસભ્ય દળની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા ન હતા.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના નવનિયુક્ત ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને પત્ર લખીને વિધાનસભ્યોની બેઠકમાં હાજરી નહીં આપનારા 12 ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

(12:43 am IST)