Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ફેસબુક, ગૂગલ, એપલ, એમેઝોન જેવી કંપનીઓ પર લાગશે લગામ :અમેરિકી સંસદમાં મહત્વનું બિલ રજૂ

બિલ વહેલી તકે પસાર કરવા અમેરિકી સાંસદોની ભલામણ : વિપક્ષ રિપબ્લિકન સાંસદોએ બિલની ભાષામાં કેટલાક ફેરફાર સૂચવ્યા

અમેરિકન સંસદમાં એક મહત્વનું બિલ રજૂ થયું હતું. ટેકનોલોજીની કંપનીઓની મોનોપોલી પર લગામ કસવા માટેનું એ બિલ તુરંત પસાર કરવાની ભલામણ અમેરિકન સાંસદોએ કરી હતી. એ પછી સંસદની પેનલે બિલને સંસદગૃહમાં મોકલી આપ્યું હતું.
ફેસબુક, ગૂગલ, એપલ, એમેઝોન જેવી કંપનીઓએ માર્કેટમાં જે મોનોપોલી સર્જી છે, તેના પર લગામ લગાવવા માટેનું મહાત્વાકાંક્ષી બિલ અમેરિકન સંસદમાં રજૂ થયું હતું. એ મહત્વપૂર્ણ બિલ વહેલી તકે પસાર થાય તે માટેની ભલામણ સાંસદોએ કરી હતી. પોતાની સત્તાનો અને મોનોપોલીનો ગેરલાભ લઈને અમેરિકાની ફેસબુક, ગૂગલ, એપલ, એેમેઝોન જેવી ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓ તંદુરસ્ત સ્પર્ધા ખતમ કરી નાખે છે. તેનો અસંખ્ય નાની કંપનીઓને ફટકો પડે છે. આવી સ્થિતિમાં કંપનીઓની મોનોપોલી અને ગેરવાજબી રીતે માર્કેટને કબજે લેવાની વૃત્તિ પર લગામ કસવા માટે અમેરિકન સંસદમાં એક બિલ રજૂ થયું હતું.
આ બિલ વહેલી તકે પસાર કરવાની ભલામણ અમેરિકન સાંસદોએ કરી છે. વિપક્ષ રિપબ્લિકન સાંસદોએ બિલની ભાષામાં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. ઓનલાઈન પ્લેટફોર્મમાં આ કંપનીઓએ જે સ્થિતિ સર્જી છે તેની બાબતે ચિંતા વ્યક્ત કરીને આ બિલને પસાર કરવા સમજાવ્યું હતું.
અમેરિકન સંસદની હાઉસ જ્યુડિશિયરી કમિટિએ બિલનું ડ્રાફ્ટિંગ કર્યું હતું અને તેને સંસદગૃહમાં મોકલવા માટે મતદાન કર્યું હતું. કમિટિમાંથી ૨૯ સભ્યોએ બિલને સંસદગૃહમાં મોકલી આપવાની તરફેણ કરી હતી. ૧૨ સભ્યોએ એક યા બીજા કારણથી બિલમાં સુધારા સૂચવવાનું કહીને બિલને અટકાવવા મત આપ્યા હતા. ૨૯ મત બિલને મોકલી આપવાની તરફેણમાં થયા હોવાથી કમિટિએ બિલને સંસદમાં મોકલી આપ્યું હતું.
ટેકનોલોજીની કંપનીઓની મનમાની રોકવા માટે રાજ્યોના ગવર્નરોને ખાસ સત્તા આપવાની રજૂઆત પણ સાંસદોએ કરી હતી. રાજ્યોને સ્વતંત્ર રીતે આવી કંપનીઓ સામે પગલાં ભરવાની સત્તા હશે તો મોનોપોલી નિવારી શકાશે એવો મત સાંસદોએ રજૂ કર્યો હતો.

(11:21 pm IST)