Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અજીત પવાર અને અનિલ પરબ વિરુદ્ધ સીબીઆઇ તપાસ કરો :ભાજપની માંગ

સચિન વાઝે અને પરમબીરસિંહના મુદ્દાએ ફરી રાજકીય રંગ પકડ્યો

મુંબઈ :મહારાષ્ટ્માં ફરી સચિન વાઝે અને પરમબીરસિંહનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે.મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે ગુરુવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને પરિવહન પ્રધાન અનિલ પરબ વિરુદ્ધ મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ અને પૂર્વ પોલીસ સચિવ વાઝેને લગતા કેસો મામલે સીબીઆઈ તપાસની માંગ કરી હતી.

મહારાષ્ટ્ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ પાર્ટીના એક અધિવેશનમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “રાજ્ય ભાજપે પરમબીર સિંહ અને સચિન વાઝે સંબંધિત કેસોમાં સામેલ થવા બદલ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને શિવસેનાના નેતા અને પરિવહન પ્રધાન અનિલ પરબ સામે સીબીઆઈ તપાસની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી માસમા મુંબઇમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટિલિયા નજીક એસયુવીમાં વિસ્ફોટક પદાર્થ મૂકવામાં સચિન વાઝેની કથિત સંડોવણી સામે આવી હતી. તેની બાદ આ મુદે વિવાદ વધ્યો હતો. જ્યારે માર્ચ માસમાં પરમબીરસિંહને મુંબઈ પોલીસ કમિશનર તરીકે હટાવીને હોમગાર્ડ વિભાગમાં મોકલવામાં આવ્યા હતા.

તેની બાદ રાજ્ય સરકારને મોકલવામાં આવેલા એક પત્રમાં પરમબીરસિંહે તત્કાલિન રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચાર અને પદના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો. તેમના લેટર બોમ્બમાં તેમણે અનિલ દેશમુખ પર આડકતરા આક્ષેપ કર્યા હતા . જો કે સચિન વાઝેની રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા આ કેસની તપાસમાં 13 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને તેમને પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા

(9:16 pm IST)