Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સેન્સેક્સ ૩૯૩ અને નિફ્ટી ૧૦૪ પોઈન્ટ ઉછળ્યો

મજબૂત વૈશ્વિક સંકેતોની વચ્ચે બજારમાં તેજીનો માહોલ : ઈન્ફોસિસના ભાવમાં સૌથી વધુ ૬%નો વધારો જોવા મળ્યો

મુંબઈ, તા. ૨૪ : મજબૂત વૈશ્વિક સંકેતોની વચ્ચે સ્થાનિક શેર બજાર ગુરૂવારે સારા વધારા સાથે બંધ થયા. સેન્સેક્સ ૩૯૨.૯૨ પોઈન્ટ એટલે કે .૭૫ ટકાના ઊછાળા સાથે ૫૨,૬૯૯ પોઈન્ટના સ્તરે બંધ થયો. એજ રીતે એનએસઈ નિફ્ટી ૧૦૩.૫૦ પોઈન્ટ એટલે કે .૬૬ ટકાની તેજી સાથે ૧૫,૭૯૦.૪૫ પોઈન્ટ પર બંધ થયયો. સેન્સેક્સ પર ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ ત્રણ ટકાનો વધારો જોવા મળ્યો. ઉપરાંત ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને એશિયન પેઈન્ટ્સના શેરોમાં ફણ સારી તેજી જોવા મળી.

એલએન્ડટી, નેસ્લે ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેક્ન, એચડીએફસી બેક્ન અને એશિયન પેઈન્ટ્સના શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી. બીજી બાજુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ભારતી એરટેલ, પાવર ગ્રિડ, ડોક્ટર રેડ્ડીસ, ટાઈટન, આઈટીસી અને સન ફાર્માના શેર પણ લાલ નિશાન પર બંધ થયા હતા.

રિલાયન્સ સિક્યોરિટિસના વડા (સ્ટ્રેટેજી) વિનોદ મોદીએ કહ્યું કે ફાઈનાન્શિયલ અને આઈટીસેક્ટરની કંપનોમાં મજબૂત લેવાલીને લીધે શેર બજારોમાં મજબૂત રિકવરી થઈ. તેમણે કહ્યું કે કંપનીઓની કમાણીમાં રિકવરીના ટકાઉ આંકડા અને રૂપિયામાં હાલમાં નબળાઈને લીધે પણ આઈટી કંપનીઓના સ્ટોકને મજબૂતી સાંપડી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક બજારમાં અનુકૂળ સંકેતોના લીધે પણ ધારણાને મજબૂતી મળી હતી.

વિનોદ મોદીએ કહ્યું કે સત્રમાં બપોર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની એજીએમ પર બધાની નજરો જડાયેલી રહી અને એવું લાગ્યું કે રોકાણકારોએ નફો બુક કર્યો હતો. અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંઘાઈ, હોંગકોંગ, સિઓલ અને ટોક્યોમાં શેર બજાર વધારા સાથે બંધ થયા. યુરોપિયન બજારોમાં બપોરના સત્રમાં તેજી જોવા મળી.

(7:41 pm IST)