Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પાડોશીના ત્રાસથી પૂર્વ મહિલા પત્રકારની પુત્ર સાથે આત્મહત્યા

મુંબઈના અંધેરી વિસ્તારની કરૂણાંતિકા : રેશ્માની સ્યુસાઈડ નોટના આધારે પાડોશી ઐયુબખાનની ધરપકડ, મહિલાના પતિનું મહિના પહેલાં મોત થયું હતું

મુંબઈ, તા. ૨૪ : મુંબઈના અંધેરી વિસ્તારમાં સર્જાયેલી એક કરૂણાંતિકામાં પાડોશીની હેરાનગતિથી કંટાળી ગયેલી પૂર્વ મહિલા પત્રકારે પોતાના સાત વર્ષના પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી હતી.

મળતી વિગતો પ્રમાણે પૂર્વ પત્રકાર રેશમાના પતિનુ એક મહિના પહેલા કોરોનાથી મોત થયા બાદ તે પહેલેથી ભાંગી પડી હતી. દરમિયાન પોલીસે રેશમાના પાડોશી ઐયુબ ખાનની ધરપકડ કરી છે. રેશમાએ પોતાની સુસાઈડ નોટમાં ઐયુબ ખાન અને તેના પરિવાર પર માનસિક રીતે હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. સુસાઈડ નોટમાં રેશમાએ કહ્યુ હતુ કે, મારા પાડોશીઓ મારા સાત વર્ષના પુત્રને રમવા દેતા નથી. બાબતે તેઓ અવારનવાર મારી સાથે ઝઘડો કરે છે.

પહેલા રેશમાએ ૩૦ મેના રોજ પોતાની ફેસબૂક પોસ્ટ પર પણ પાડોશી દ્વારા પુત્રને હેરાન કરવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન સોમવારે રેશમાએ ૧૨માં માળ પરથી પોતાના પુત્ર સાથે મોતનો ભૂસકો માર્યો હતો. જોકે હજી સુધી તેમનો અંતિમ સંસ્કાર થઈ શક્યો નથી. કારણકે તેમના પરિવારનો કોઈ સભ્ય મુંબઈમાં નથી. પોલીસ રેશમાનો ભાઈ અમેરિકાથી પાછો ફરે તેની રાહ જોઈ રહી છે.

દરમિયાન પોલીસે ઐયુબ ખાન પર કેસ કરીને તેની ધરપકડ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે ઐયુબ અને તેના પરિવારે રેશમાના બાળકની સામે સોસાયટીમાં ફરિયાદ પણ કરી હતી. જ્યારે ઐયુબ ખાનનુ કહેવુ છે કે, મારા પરિવારના એક સભ્યને ગંભીર બીમારી છે. અવાજના કારણે તે સુઈ શકતો નથી. તેના કારણે મારે ફરિયાદ કરવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, રેશમાના પતિ શરદનુ ગયા મહિને કોરોનથી મોત થયુ હતુ અને તેના સાસુ સસરા પણ કોરોનામાં મોતને ભેટયા બાદ તે બિલકુલ એકલી પડી ગઈ હતી.

(7:37 pm IST)