Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની કમાન છટકી : મોબાઈલ વાપરનારા 10 લોકોને મોતની સજા ફટકારી

ચીનના મોબાઈલ નેટવર્કના ઉપયોગ પર પ્રતિબંધનો ભંગ કરવા બદલ દસ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી : ઉત્તર કોરિયામાં હાલમાં ભૂખમરા જેવી સ્થિતિ છે પણ તાનાશાહ કિમ જોંગ સામે કોઈ હરફ પણ ઉચ્ચારી શકે તેમ નથી.

દુનિયાના સૌથી સનકી શાસક ગણાતા કિમ જોંગનુ મગજ ક્યારે પિત્તો ગુમાવશે તે કોઈ કહી શકતુ નથી. હવે એવા અહેવાલો આવ્યા છે કે, મોબાઈલ વાપરવા બદલ કિમ જોંગે 10 નાગરિકોને મોતની સજા આપી છે. આ નાગરિકોએ ચીનના મોબાઈલ નેટવર્ક થકી બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી.

ઉત્તર કોરિયામાં ચીનના મોબાઈલ નેટવર્કના ઉપયોગ પર પણ પ્રતિબંધ છે અને આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ આ દસ નાગરિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. એવુ મનાય છે કે, નોર્થ કોરિયાની સત્તાધારી પાર્ટીએ 150 લોકોને પકડયા હતા.

માર્ચ મહિનાથી નોર્થ કોરિયાની સિક્રેટ પોલીસ તેમના પર નજર રાખી રહી હતી. એ પછી દેશભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા હોવાનુ જાપાનના એક અખબારનુ કહેવુ છે.

નોર્થ કોરિયામાં હાલમાં ભૂખમરા જેવી સ્થિતિ છે અને રોજ બરોજની વસ્તુઓના ભાવ આસમાનને અડી રહ્યા છે. આમ છતા નોર્થ કોરિયાના લોકો બહારથી મદદ માંગી શકે તેમ નથી. ચીનની બોર્ડર સાથે જોડાયેલા નોર્થ કોરિયાના રયાનગેંગ પ્રાંતમાં સીમા પારથી સામાન લાવનારા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

નોર્થ કોરિયાના સંખ્યાબંધ લોકોના સગા સાઉથ કોરિયામાં રહે છે. તેમની સાથે સંપર્કમાં રહેલા નોર્થ કોરિયાના લોકો દાણચોરીના ફોન અને સિમ કાર્ડ પર આધાર રાખે છે. તેના થકી તેઓ દેશ બહારથી મદદ મંગાવે છે. 2008 પહેલા તો નોર્થ કોરિયામાં મોબાઈલ રાખવા પર પણ પ્રતિબંધ હતો. આ પ્રતિબંધ હળવો કરાયો છે પણ નેટવર્ક પર હજી પણ જાત જાતના પ્રતિબંધો છે.

(7:18 pm IST)