Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

અમરનાથ યાત્રાની પ્રથમ પૂજા આજે : આરતીનું જીવંત પ્રસારણ ૨૮ જૂનથી કરવામાં આવશે

નવી દિલ્હી : શ્રી બાબા અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે ગુરુવારે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે. જો કે આ વર્ષે બાબા અમરનાથ યાત્રા કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી છે. પરંતુ ત્યાં પરંપરાગત પૂજા થશે.

બાબા બર્ફાનીની પવિત્ર ગુફાથી આરતીનું જીવંત ટેલિકાસ્ટ થશે. પ્રથમ પૂજામાં શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના ચીફ એકિઝક્યુટિવ ઓફિસર, નીતિશ્વર કુમાર સહિત બોર્ડ અને વહીવટના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લીધો છે.

શ્રી અમરનાથ યાત્રા અને બુદ્ધ અમરનાથ યાત્રા ટ્રસ્ટના મહામંત્રી સુદર્શન ખજુરીયા, વરિષ્ઠ ઉપપ્રમુખ કરણસિંહ અને શકિત શર્મા શ્રીનગર પહોંચ્યા છે અને આજે પવિત્ર ગુફાએ પહોંચ્યા છે.   બોર્ડ દર વર્ષે ટ્રસ્ટના પદાધિકારીઓને પ્રથમ પૂજામાં ભાગ લેવા આમંત્રણ આપે છે. તે જ સમયે, શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડ અને પ્રશાસને પવિત્ર ગુફાથી આરતીનું જીવંત પ્રસારણ કરવાની તૈયારી કરી લીધી છે. 

આરતીનું ૨૮ જૂનથી ૨૨ ઓગસ્ટ સુધી જીવંત પ્રસારણ કરવામાં આવશે. શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર આરતી પ્રસારિત કરવામાં આવશે. આરતી સવારે ૬.૦૦ થી ૬.૩૦ અને સાંજના ૫.૦૦ થી ૫.૩૦ દરમિયાન ટેલિકાસ્ટ કરવામાં આવશે.  કોરોનાને કારણે બાબા અમરનાથ યાત્રા સતત બીજા વર્ષે રદ કરવામાં આવી છે.

(1:22 pm IST)