Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કાનપુરમાં ચોંકાવનારો કિસ્સો : લગ્નના બે મહિના બાદ મોટો ખુલાસો : યુવતી નીકળી ટ્રાન્સજેન્ડર

લગ્ન સમયે અંધારામાં રાખીને તેના પરિવારજનો સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો

ઉત્તરપ્રદેશના કાનપુરથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શખ્સે તેના સાસરિયાઓ સામે ટ્રાન્સજેન્ડર સાથે લગ્ન કરવા અને છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. લગ્નના લગભગ બે મહિના પછી થયેલી ફરિયાદમાં આ વ્યક્તિએ સાસરિયાઓ પર લગ્ન સમયે અંધારામાં રાખીને અને તેના પરિવારજનો સાથે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

કાનપુરમાં રહેતા આ માણસે 28 એપ્રિલ 2021 ના રોજ લગ્ન કર્યા. ફરિયાદમાં આ વ્યક્તિએ દાવો કર્યો છે કે લગ્નની પહેલી રાતે તેની પત્નીએ તબિયત લથડવાનું બહાનું બનાવ્યું હતું અને તે શારીરિક સંબંધ બાંધવામાં અસમર્થ હતી

પોલીસ સ્ટેશનના પ્રભારી કુંજ બિહારી મિશ્રાએ જણાવ્યું હતું કે ‘કાનપુરના શાસ્ત્રી નગરમાં રહેતાં આ વ્યક્તિએ પંકી વિસ્તારની મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, કન્યાને વરરાજા સાથે સંબંધ બાંધવામાં અસ્વસ્થતા જણાતી હતી અને કહ્યું હતું કે તેની તબિયતને લગતી સમસ્યાઓ છે. દિવસો પસાર થતાં પતિને શંકા થવા લાગી કે કંઈક ખોટું છે. ત્યારબાદ તે તેની પત્નીને સ્ત્રીરોગચિકિત્સકની તપાસ માટે લઈ ગયો, જેણે પુષ્ટિ કરી કે તે એક ટ્રાન્સજેન્ડર છે.

   આ શખ્સે તેની પત્ની, તેના માતા-પિતા અને મધ્યસ્થી વિરુદ્ધ આઈપીસીની કલમ 420 (છેતરપિંડી) હેઠળ એફઆઈઆર નોંધાવી છે. આ સાથે પુરાવા રૂપે પત્નીનો મેડિકલ રિપોર્ટ પણ પોલીસ સમક્ષ રજૂ કરાયો છે. પોલીસે જણાવ્યું કે, “આઈપીસીની સંબંધિત કલમો હેઠળ આ શખ્સના સાસરિયા સહિત આઠ લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે અને તપાસ ચાલુ છે.” તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

(1:06 pm IST)