Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સુપ્રીમ કોર્ટનો આદેશ

૧૦ દિવસમાં તમામ બોર્ડ ૧૨માંની મૂલ્યાંકન નીતિ દર્શાવેઃ ૩૧ જુલાઈ સુધીમાં પરિણામો જાહેર કરે

રાજય અને તેમના બોર્ડ પોતાની નીતિ બનાવવા માટે સ્વતંત્ર અને સ્વાયત્ત્। છે માટે તેમના અધિકાર ક્ષેત્રમાં દખલ નહીં કરવામાં આવેઃSC

નવી દિલ્હી, તા.૨૪: સુપ્રીમ કોર્ટે તમામ રાજયના શિક્ષણ બોર્ડને ૧૦ દિવસની અંદર ૧૨માં ધોરણની મૂલ્યાંકન નીતિ બનાવવા આદેશ આપ્યો છે અને ૩૧મી જુલાઈ સુધીમાં પરિણામો જાહેર થઈ જવા જોઈએ તેમ કહ્યું છે. સાથે જ પરીક્ષાના કાર્યક્રમમાં એકરૂપતા લાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર કોઈ નિર્દેશ આપવા સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, રાજય અને તેમના બોર્ડ પોતાની નીતિ બનાવવા માટે સ્વતંત્ર અને સ્વાયત્ત્। છે માટે તેમના અધિકાર ક્ષેત્રમાં દખલ નહીં કરવામાં આવે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારને સવાલ કર્યો હતો કે, તે સામાજીક અને શારીરિક અંતરના સિદ્ઘાંતના પાલન સાથે દરેક પરીક્ષા ખંડમાં ૧૫થી ૨૦ વિદ્યાર્થીઓેને બેસાડવાની વ્યવસ્થા કઈ રીતે કરશે. કોર્ટે આંધ્ર સરકારના સોગંદનામાનો હવાલો આપીને સવાલ કર્યો હતો કે, તમારા ત્યાં કુલ પરીક્ષાર્થીઓ માટે ઓછામાં ઓછા ૩૪,૬૦૦ રૂમની જરૂર પડશે તે કેવી રીતે મેનેજ કરશો.

જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની પીઠે આંધ્ર પ્રદેશ સરકારને સવાલ કર્યો હતો કે તમે જુલાઈના અંતિમ સપ્તાહમાં પરીક્ષા આયોજિત કરવા કહ્યું છે, પહેલું તો સ્થિતિ જ અનિશ્યિત છે અને જો પરીક્ષા યોજી પણ દેવાય તો પરિણામો કયાં સુધીમાં આપી શકશો. શું દેશ વિદેશની યુનિવર્સિટિઓ તમારા પરિણામોની રાહ જોશે?

(4:21 pm IST)