Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

શું કહે છે હેલ્થ એકસપર્ટ ? છુટકારા માટે શું કરવું પડશે?

શું આ વર્ષે માસ્કથી છુટકારો મળશે ?

નવી દિલ્હી તા. ૨૪ : દુનિયામાં કોરોના વાયરસની મહામારી ડિસેમ્બર ૨૦૧૯માં આવી હતી જેને દોઢ મહિનાનો સમય થઈ ગયો છે. આમ છતાં હજુ તેનાથી છૂટકારો નથી મળ્યો. આવામાં હવે લોકો વાયરસ કયારે જશે તેવા સવાલની સાથે માસ્કથી કયારે છૂટકારો મળશે તેને લઈને પણ ચિંતિત છે. એક તરફ વાયરસ જીવતો રહેવા માટે પોતાનો રંગ બદલી રહ્યો છે, તે મ્યુટેટ થઈ રહ્યો છે. વાયરસ જીવતા રહેવા માટે માણસના સેલ જોઈએ. જો વ્યકિત પોતાના વર્તનમાં ફેરફાર કરે, કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરે, માસ્ક પહેરે તો લડાઈ વ્યકિતના હકમાં જશે. જેમાં સૌથી મહત્વનો ભાગ માસ્ક ભજવે છે. માસ્ક સોશિયલ વેકસીનનું કામ કરે છે.

એલએનજેપીના ડિરેકટર ડો. સુરેશ કુમારે જણાવ્યું કે માસ્ક જરૂરી છે. તેનાથી છૂટકારો ત્યારે જ મળી શકે જયારે ૮૦% વસ્તીનું વેકસીનેશન થઈ જાય અને હર્ડ ઈમ્યુનિટી બની જાય. આવી સ્થિતિમાં ઈન્ફેકશન ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે અને વાયરસમાં બદલાવની સંભાવના પણ ઓછી થઈ જાય છે. જયાં સુધી દેશની વાત કરીએ તો માત્ર ૫્રુ વસ્તીને ડોઝ મળ્યા છે, જેમાં માસ્ક હટાવવાનું વિચારી પણ ના શકાય. હાલ જે પ્રકારે વેરિયન્ટ દેખાય છે, તે વેકસીન પછી પણ લાગુ પડી શકે છે, આવામાં બચવા માટેનો માસ્ક શ્રેષ્ઠ ઉપાય છે.

એમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. નીરજ નિશ્ચલ કહે છે કે તમામ થર્ડ વેવની વાત કરી રહ્યા છે. ઉપરથી વાયરસમાં બદલાવ જોવા મળી રહ્યા છે, જેમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસની વાત થઈ રહી છે. વાયરસ પોતાને જીવીત રાખવા માટે રૂપ બદલી રહ્યો છે અને માણસ પાસે તેનાથી બચવાનો પડકાર છે. જો આવામાં વાયરસને આપણે હરાવવો હોય તો પોતાના બિહેવિઅયરમાં મ્યુટેશન ના થવા દેવો જોઈએ. આપણે માસ્ક પહેરવાની આદત બનાવી રાખવી જોઈએ.

ચાર બાબતનું સૌ કોઈએ ધ્યાન રાખવાની જરૂર છે, પહેલું બીમાર હોવ તો પોતાને આઈસોલેટ કરી લો. બીજુ- માસ્ક પહેરો, ત્રીજુ- સોશિયલ ડિસ્ટન્સ બનાવેલું રાખો અને ચોથુ- કારણ વગર ભીડમાં ના જવું. ડોકટર નીરજે કહ્યું કે કોરોનાનો કોઈ પણ વેરિયન્ટ આવી જાય, તે કોવિડ બિએવિઅરને બાયપાસ નથી કરી શકતો, માટે માસ્ક જરૂર પહેરો.

દિલ્હી મેડિકલ કાઉન્સિલના સાયન્ટિસ્ટ કમિટીના ચેરમેન ડો. નરેન્દ્ર સૈની કહે છે કે જેવું મ્યુટેશન દેશમાં દેખાઈ રહ્યું છે, તેવામાં તો માસ્ક જ શ્રેષ્ઠ ઉપાય છે, જે આ મ્યુટેશનને પણ રોકવામાં મદદરુપ બની શકે છે. તેમણે કહ્યું કે વાયરસને જીવતા રહેવા માટે માણસના લિવિંગ સેલની જરૂર પડે છે, જો આપણે માસ્ક લગાવી રાખીએ તો તે આપણા સુધી પહોંચી નહીં શકે, અને વાયરસ જીવતો નહીં રહી શકે. માટે જો દરેક વ્યકિત તેનું પાલન કરે તો વાયરસનો વિસ્તાર અને તેનું મ્યુટેશન રોકાશે.

દિલ્હી મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ડો. હરીશ ગુપ્તાએ કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે લોકોમાં માસ્ક વહેંચે, લોકો જેટલું માસ્ક પહેરશે સંક્રમણ ફેલાવાનો ખતરો એટલો ઓછો થઈ જશે. સરકાર ઓકિસજન પ્લાન્ટ અને અન્ય તૈયારીઓમાં જોડાઈ છે, પરંતુ જો માસ્ક વહેંચે અને લોકોને તે પહેરવા અંગે જાગૃત કરે તો એવી સ્થિતિ જ નહીં બને કે ઓકિસજન પ્લાન અને ઈલાજની જરુર પડે. માટે સરકાર આ દિશામાં પણ વિચારવું જોઈએ.

(11:00 am IST)