Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોરેટોરિયમ મુદતમાં વધારો અને લોનના વ્યાજમાં માફી આપો

લગભગ ૧૫ મહિનાથી દુકાનદારો સહિત નાના -મોટા વેપારીઓને આર્થિક સ્તરે જંગી નુકશાન થયું છે

મુંબઈ,તા. ૨૪ : કોરોના વાઈરસને કારણે લગભગ ૧૫ મહિનાથી રાજયના દુકાનદારો સહિત નાના-મોટા વેપારીઓને આર્થિક સ્તરે જંગી નુકસાન થયું છે, તેથી હવે વેપારીઓને તાકીદે આર્થિક-નાણાકીય મદદ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વેપારી સંગઠનોએ અપીલ કરી છે. 'અત્યારે સ્ટાફના પગાર, વિવિધ ટેકસની ચુકવણી સહિત અન્ય ખર્ચાનું વહન કરવાનું મુશ્કેલ છે, તેમાંય વળી મહારાષ્ટ્રમાં સરકારે લોકડાઉનના નિયમોને ૨૭મી જુન સુધી લંબાવ્યા છે, તેથી અમે વડા પ્રધાનને ૫૦ લાખ રૂપિયા સુધીની લોન ભરવા માટે ૯૦ દિવસનો મોરેટોરિયમ પિરિયડ વધારવાથી લઈને ૫૦ લાખ રૂપિયાની લોનમાં પચાસ ટકા સુધીના વ્યાજમાં માફી આપો, એમ રાજયના અગ્રણી વેપારી સંગઠનની આગેવાની હેઠળના ટ્રેડર્સ યુનાઈટેડ ફોરમ ઓફ મહારાષ્ટ્ર (ટીયુએફઓએમ)એ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવ્યા પછી ફરી એક વખત સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં અલગ અલગ મુદ્દે રાહત આપવાની અપીલ કરી છે, જેમાં ૫૦ લાખ રૂપિયા સુધીની લોનની રકમ ભરવા માટે ૯૦ દિવસનો મોરેટોરિયમ પિરિયડ આપવાની માગણી કરી છે.

૫૦ લાખ રૂપિયાથી વધારે લોનની રકમ હોય તો તેમાં પચાસ ટકા સુધીના વ્યાજમાં માફી આપવાની ભલામણ કરાઈ છે. એમએસએમઈ (સ્મોલ એન્ડ મિડિયમ સાઈઝીસ એન્ટરપ્રાઈઝીસ)ને હોમ લોન તથા ટર્મ લોન લેનારાને પણ હપ્તાઓ ભરવા માટે ૯૦ દિવસનો મોરેટોરિયમનો ફાયદો કરી આપવામાં આવે. જો કોઈ વખતે વેપારી હપ્તા-ઈએમઆઈ ભરવામાં વિલંબ કરે તો તેના ઉપર ૫૦ ટકા સાદું વ્યાજ લેવું જોઈએ.

જો હપ્તા ભરવામાં વિલંબ કરે તો વેપારીની ક્રેડિટને અસર થવી જોઈએ નહીં. વેપારીઓ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) સહિત અલગ અલગ ટેકસ ભરવા માટે પણ ત્રણ મહિનાની મુદત વધારવામાં આવે. તેના પર કોઈ વ્યાજ અને પેનલ્ટી લેવામાં આવે નહીં એવો પત્રમાં વડા પ્રધાનને અનુરોધ કરવામાં આવ્યો છે. પોર્ટ પર અટવાયેલા માલસામાન પર ડેમરેજ ચાર્જીસ લેવામાં આવે નહીં એવી રજૂઆત કરી છે, એવી સંગઠને રજૂઆત કરી છે. અહીં એ જણાવવાનું કે ટ્રેડર્સ યુનાઈટેડ ફોરમ ઓફ મહારાષ્ટ્ર (ટીયુએફઓએમ)માં ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશન (એફઆરટીડબ્લ્યુએ), ચેમ્બર ઓફ એસોસિયેશન ઓફ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડ (કેમિટ) સહિત અન્ય સંગઠનનો સમાવેશ થાય છે.

(10:47 am IST)