Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે ડો.ગુલેરિયાએ આપ્યા ૩ મંત્ર

સપ્ટેમ્બર-ઓકટોબરમાં બાળકોની કોરોના વેકિસન મળી શકે છે : ભારતમાં ફાઇઝરની બાળકોની વેકિસનને મંજૂરી આપવામાં આવી છે

નવી દિલ્હી,તા.૨૪: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયંટ હવે ડેલ્ટા પ્લસ વેરિયંટમાં ફેરવાઇ રહ્યો છે, જેના લીધે બીજી લહેરની આશંકાઓ વધવા લાગી છે. જેને લઇને કેટલાક નિષ્ણાંતો દોઢથી બે મહિનામાં ત્રીજી લહેરની સંભાવના વ્યકત કર્યા છે તો કેટલાક સપ્ટેમ્બર-ઓકટોબરમાં ત્રીજી લહેર આવવાની આશંકા જતાવી રહ્યા છે. એવામાં AIIMSના ડાયરેકટર ડો. ગુલેરિયાએ ત્રીજી લહેરના રોકવા માટે ૩ મહત્વના સુઝાવ આપ્યા છે.

ડો. ગુલેરિયાનું કહેવુ છે કે, કોરોના લહેરની ત્રીજી લહેર આપણા હાથમાં છે. જો આપણે એને રોકવા માંગીએ છીએ તો સૌ પ્રથમ કોરોનાની પહેલી લહેર પછી કરેલી ભૂલ બીજી વાર ન કરવી જોઇએ. કોરોનાની પહેલી લહેર પછી લોકોએ માની લીધુ હતું કે કોરોના જતો રહ્યો અને નિયમોના પાલન પર ધ્યાન ના આપ્યું. જેના ગંભીર પરિણામ કોરોનાની બીજી લહેર તરીકે સામે આવ્યા. આપણે આ સમજી લેવું જોઇએ કે વાયરસ ગયો નથી અને વારંવાર દ્યાતક રુપ બદલી રહ્યો છે. એવામાં કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાથી વાયરસ સામે ચોક્કસપણે રક્ષણ મેળવી શકાશે.

ડો. ગુલેરિયાએ જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે બીજી મહત્વપૂર્ણ બાબત છે દેખરેખ. જે કોઇ વિસ્તારમાં કેસ વધી રહ્યા છે, પોઝિટિવિટી વધી રહી છે, હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે તો એવા વિસ્તારોને કન્ટેન કરવાની જરુર છે, પ્રતિબંધો લાઘીને વાયરસને ફેલાવતો અટકાવો જોઇએ. આવા વિસ્તારોમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની જરુરત છે.

આ સિવાય ત્રીજી લહેરને રોકવા માટે ત્રીજો મહત્વપૂર્ણ પરિબળ છે જલ્દીથી રસીકરણ કરવું. વધુમાં વધુ લોકોના વેકિસનેશનથી ગંભીર દર્દીઓની સંખ્યામાં દ્યટાડો આવશે અને સંક્રમણની ચેઇન તૂટશે.

જોકે બાળકો ને લઇને ડો. ગુલેરિયાનું કહેવુ છે કે હાલ પૂરતુ બાળકોને કોરોનાથી બહુ ખતરો નથી અને આગામી સમયમાં બાળકો માટે વેકિસન તૈયાર થઇ જશે. તેમણે એમ પણ જણાવ્યું કે બાળકો માટે ફાઇઝરની વેકિસનને મંજૂરી આપી દેવાઇ છે. જે સપ્ટેમ્બર કે ઓકટોબર સુધી ભારતમાં ઉપલબ્ધ થશે.

(10:46 am IST)