Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

નવી સમસ્યાએ મોઢુ ફાડયું

કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓને ઉભી થઈ સ્વાદુપિંડના સોજાની ફરિયાદ

જો તમે કોરોનામાંથી રિકવર થયા હોવ અને તમને પેટમાં દુઃખાવાની ફરિયાદ હોય તો મોડું કર્યા વિના ડોકટરની મુલાકાત લોઃ ઘણાં દર્દીઓને કોરોના પછી સ્વાદુપિંડ પર સોજો આવી જાય છે

નવી દિલ્હી, તા.૨૪: ૩૩ વર્ષીય ગોપી દરજી કોરોનાથી તો સાજા થઈ ગયા પરંતુ તેમની સમસ્યાઓનો અંત ના આવ્યો. તેઓ દ્યરમાં જ ૧૪ દિવસ સુધી કવોરન્ટાઈન થયા હતા અને એમડી ડોકટરની સૂચના અનુસાર દવાઓ લીધી હતી. પરંતુ ૧૫ દિવસ પછી તેમને એકાએક પેટમાં દુખાવો ઉપડ્યો. ડોકટરને જયારે ફરિયાદ કરવામાં આવી તો તેમણે નિદાન કર્યું કે ગેસની સમસ્યા થઈ હશે અને ગોપીને એસિડિટી અને ગેસની દવા આપવામાં આવી.

બે દિવસ પછી ગોપીની સ્થિતિ વધારે કથળી અને દુખાવો વધી ગયો ત્યારે સોનોગ્રાફી કરવામાં આવી. સોનોગ્રાફીમાં પણ કોઈ નિદાન નહોતું આવ્યું માટે આખરે સીટી સ્કેન કરવાની સલાહ આપવામાં આવી. સીટી સ્કેનમાં સામે આવ્યું કે તેમના સ્વાદુપિંડ પર સોજો આવી ગયો છે. સોજો એટલો વધી ગયો હતો કે તેમના સ્વાદુપિંડના ૨૫ ટકા ટિશ્યુ નિષ્ક્રિય થઈ ગયા હતા અને ઈન્ફેકશન થઈ ગયુ હતું.

ડોકટર મનિષ ભટનાગર જણાવે છે કે, દર્દી અમારી પાસે આવ્યા ત્યાં સુધી તેમની સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી. તેમને એન્ટીબાયોટિક દવા આપવામાં આવી અને શુગર કંટ્રોલ કરવા માટે ઈન્સ્યુલિન આપવું પડ્યું. અત્યારે તેમની સ્થિતિ ઘણી સારી છે. ડોકટરનું કહેવું છે કે તેમણે પાછલા અમુક મહિનાઓમાં લગભગ ૪૦ એવા દર્દીઓની સારવાર કરી છે જેમને કોરોનામાંથી રિકવર થયા પછી સ્વાદુપિંડને લગતી સમસ્યા સર્જાઈ હોય.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કોરોનાના લગભગ ૩૦ ટકા દર્દીઓમાં બ્લડ શુગર લેવલમાં વધદ્યટ જોવા મળે છે. જેના પરિણામે સ્વાદુપિંડ પ્રભાવિત થતું હશે. ઉલ્લેખનીય છે કે ઈન્સ્યુલિન તૈયાર કરતા બેટા-કોષો સ્વાદુપિંડમાં જ હોય છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડોકટર નિલય મેહતા જણાવે છે કે, સ્વાદુપિંડના સોજાનું મુખ્ય લક્ષણ છે કે બે દિવસ કરતા વધારે સમય સુધી પેટના ઉપરના ભાગમાં અત્યંત દુખાવો થવો. જો આ લક્ષણ હોય તો તેની અવગણના ના કરવી. કોરોનાના દર્દીઓ જે આ સમસ્યાથી પીડાય છે તેમાંથી ૯૦ ટકાને સામાન્ય લક્ષણો હોય છે માત્ર ૧૦ ટકા દર્દીઓની સ્થિતિ ગંભીર બની જાય છે અને તાત્કાલિક સારવારની જરુર પડે છે.

ગોપી દરજીના કેસની વાત કરીએ તો રજા મળ્યાના એક મહિના પછી પણ તેમણે શુગર કંટ્રોલ કરવા માટે દવાઓ લેવી પડી રહી છે. તમના પતિ હેમલ દરજી જણાવે છે કે, સ્વાદુપિંડમાં સોજો આવવાને કારણે તેનું બ્લડ શુગર લેવલ ઘણું વધી ગયું છે. પહેલા તેને ઈન્સ્યુલીન આપવુ પડતું હતું પરંતુ હવે દવાઓથી કામ ચાલી રહ્યું છે.

(10:42 am IST)