Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

૨૦૨૧માં જન્મેલા બાળકોએ ૨૦૫૦ સુધી ભોગવવું પડશે

વૈશ્વિક વસ્તી ઉપર ભૂખ - દુષ્કાળ - બિમારીઓનો કહેર આવતા દાયકામાં ભયાનક રીતે વધશે : આજે જન્મેલાએ ૩૦ વર્ષ ભોગવવું પડશે : કુપોષણ - પાણીની અછત - સંક્રામક બિમારીઓ મોઢુ ફાડશે : પાકોની બરબાદી - અનાજની ગુણવત્તામાં ઘટાડો - વધતી મોંઘવારી ઉપર અંકુશ લગાવવાનું અસંભવ બનશે

પેરિસ તા. ૨૪ : વૈશ્વિક વસ્તી પર ભૂખમરો, દુકાળ અને બિમારીઓનો કહેર આગામી દાયકાઓમાં વધુ તે જ બનશે. ૨૦૨૧માં જન્મનાર બાળકોએ ઓછામાં ઓછા આગામી ૩૦ વર્ષો સુધી આ જોખમો ઉઠાવવા પડશે. જળવાયુ પરિવર્તન અંગેની સંયુકત રાષ્ટ્રની અંતરસરકારી પેનલ (આઇપીસીસી)નું હાલનું વિશ્લેષણ તો આવી જ ચેતવણી આપે છે. આઇપીસીસી અનુસાર ૨૦૨૦માં કોરોના મહામારીએ આખી દુનિયાને હચમચાવી મુકી છે. ચિંતાની વાત તો એ છે કે આવનારા કેટલાક દાયકાઓ પણ વૈશ્વિક વસ્તી માટે સરળ નહીં હોય. કુપોષણ, પાણીની અછત અને સંક્રામક બિમારીઓ માનવ સ્વાસ્થ્ય માટે મોટા પડકારો બનીને આવશે.

આઇપીસીસીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે શાકાહારને પ્રોત્સાહન આપવા જેવી નીતિઓ નંદુરસ્તીના મોરચે આવનારા જોખમો સામે લડવામાં કારગત તો થશે પણ તેને સંપૂર્ણપણે નહીં ટાળી શકાય. ફસલની બરબાદી, મુખ્ય ખાદ્યાન્નોની ગુણવત્તામાં થનારો ઘટાડો અને વધતી મોંઘવારી પર લગામ મુકવી લગભગ અશકય બનશે. ગ્લોબલ વોર્મીંગ અને કાર્બન ઉત્સર્જન પર કાબુ મેળવવાની દિશામાં મામુલી પ્રગતિ થવાથી ૨૦૨૧માં જન્મેલા બાળકોને આરોગ્ય વિષયક સમસ્યાઓનો તેઓ ૩૦ વર્ષના થાય ત્યાં સુધી સામનો કરવો પડશે.

  • શું છે આ રિપોર્ટમાં

.    ભારતમાં અન્ન ઉત્પાદન કરતી ૪૦ ટકા જમીન ઉપજાઉ નહીં રહે તેવી આશંકા

.    ઉપ-સહારા ક્ષેત્રમાં પાણીના ચક્રમાં બાધા ઉત્પન્ન થતા ફસલોની ઉપજમાં જોરદાર ઘટાડો થશે

.    ૧૯૮૧ પછી વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તનના કારણે મકાઇની ઉપજમાં ૪ ટકા, બાજરાની ઉપજ ૨૦ ટકા અને જુવારની ઉપજમાં ૧૫ ટકાનો ઘટાડો થશે

.    ધાન, ઘઉં, બટાકા અને જવમાં ૬ થી ૧૪ ટકા પ્રોટીન ઘટવાની આશંકા

.    તેના કારણે ૧૫ કરોડથી વધારે લોકોના શરીરમાં પ્રોટીનની કમી ઉત્પન્ન થશે.

.    અનાજ ઉત્પાદનમાં ઘટાડો અને જૈવિક ફસલોની વધતી માંગથી ૨૦૫૦ સુધીમાં ખાદ્ય મોંઘવારી ૩ ગણી વધવાનો ભય

.    આના કારણે ૧૮.૩ કરોડ પરિવારોને બે ટંકના રોટલા મેળવવા મુશ્કેલ બનશે.

.    ૧ કરોડ વધારાના બાળકો કુપોષણ અને ઠીંગણાપણાનો સામનો કરવો પડશે

.    આફ્રીકા, દક્ષિણ પૂર્વ એશીયા અને લેટીન અમેરિકામાં પાણીની અછત, કૃષિ સંકટ અને સમુદ્રી જળસ્તરમાં વધારાના કારણે ૩ થી ૧૪ કરોડ લોકોને કરવી પડશે હિજરત

.    જળવાયુ પરિવર્તનના કારણે ભૂગર્ભ જળના સ્તરમાં લગભગ ત્રણ ચતુર્થાંસ ઘટાડો થતા અઢી અબજ વધુ લોકો પાણીની હાડમારી ભોગવશે.

.    બર્ફીલા પહાડોનું ઝડપથી ઓગળવું પણ ચિંતાનો વિષય બનશે. બે અબજ લોકો માટે પાણીનો સ્ત્રોત છે આ પહાડો

.    પાણીની અછતના કારણે ૨૦૫૦ સુધીમાં વૈશ્વિક જીડીપી અર્ધો ટકો ઘટશે

.    પૃથ્વી પર સતત વધી રહેલ ગરમીથી જીવલેણ રોગનો ફેલાવો કરતા મચ્છર સહિતના અન્ય જીવોની વસ્તીમાં વધારો થશે.

.    અર્ધાથી વધારે વૈશ્વિક વસ્તી ડેંગ્યુ, કમળો, જીકા જેવી સંક્રામક બિમારીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જશે.

.    ડાયેરીયાથી બાળકોના મોતના કેસો પણ વધશે.

.    વાયુ પ્રદૂષણમાં વધારો થવાથી ફેફસા અને હૃદયરોગોનું સંકટ વધશે.

(10:37 am IST)