Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

નવો વેજ કોડઃ રજા ૩૦૦ થશેઃ પગારનું માળખુ બદલાશેઃ પીએફ-ગ્રેચ્યુટી વધશે

કેન્દ્ર સરકાર ઓકટોબર પહેલા લાગુ કરશે નવો વેજ કોડઃ કર્મચારીઓના પગાર, પીએફ, કામ કરવાના કલાકો અને વિકલી ઓફમાં ફેરફાર થશે : નવા વેજ કોડ હેઠળ કામકાજના કલાકો વધીને ૧૨ થશેઃ સપ્તાહમાં ૪૮ કલાકનો નિયમ લાગુ થશેઃ કામદારો માટે મીનીમમ વેજ લાગુ થશે

નવી દિલ્હી, તા. ૨૪ :. નવા વેજ કોડને લઈને હાલ મીડીયામાં ભારે ચર્ચા છે. આમ તો તે ૧લી એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ રાજ્ય સરકારો તૈયાર ન હોવાને કારણે નિયમ લાગુ થયા નથી પછી એવી આશા હતી કે જુલાઈથી લાગુ થશે પરંતુ હવે એવુ જણાય છે કે ઓકટોબર પહેલા તે લાગુ નહી થાય કારણ કે રાજ્યોએ હજુ સુધી ડ્રાફટ રૂલ્સ તૈયાર કર્યા નથી.

નવા વેજ કોડમાં અનેક એવી જોગવાઈઓ છે જેનાથી ઓફિસમાં કામ કરતા પગારદાર વર્ગ, મીલ અને ફેકટરીમાં કામ કરતા મજુરો ઉપર પડશે. તેમના પગારથી લઈને તેઓની રજાઓ અને કામ કરવાના કલાકો પણ બદલાઈ જશે.

નવા વેજ કોડના નિયમો લાગુ થયા બાદ કર્મચારીઓના પગારના માળખામાં ફેરફારો કરવામાં આવશે. તેઓના ઘરે લઈ જવાના પગારમાં ઘટાડો થશે કારણ કે વેજ કોડ એકટ ૨૦૧૯ અનુસાર કોઈ કર્મચારીના બેઝીક પગાર કંપનીની કોસ્ટ એટલે કે સીપીસીના ૫૦ ટકાથી ઓછી નહિ થઈ શકે. હાલ અનેક કંપનીઓ પગારને ઘણો ઓછો કરી ઉપરથી ભથ્થા પણ આપે છે જેથી કંપની પર બોજો ઓછો પડે.

આની અસર એ થશે કે મૂળ પગાર વધવાથી કર્મચારીઓનુ પીએફ વધુ કપાશે એટલે કે તેમનુ ભવિષ્ય વધુ સુરક્ષિત થઈ જશે. પીએફની સાથે સાથે ગ્રેચ્યુટીમાં પણ યોગદાન વધી જશે એટલે કે ટેકહોમ પગાર જરૂરથી ઘટશે પરંતુ કર્મચારીને નિવૃતિ પર વધુ રકમ મળશે. અસંગઠીત ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ નવો વેજ કોડ લાગુ થશે. પગાર અને બોનસ સાથે જોડાયેલ નિયમો બદલાશે અને દરેક ઉદ્યોગ કે સેકટરમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં સમાનતા આવશે.

આ સિવાય કર્મચારીઓની અર્નડ રજાઓ વધારીને ૩૦૦ થઈ શકે છે. પાછલા દિવસોમાં લેબર કોડમાં ફેરફારને લઈને શ્રમ મંત્રાલય, લેબર યુનિયન અને ઉદ્યોગજગત વચ્ચે ચર્ચા થઈ હતી. જેમાં કર્મચારીઓની અર્નડ લીવ ૨૪૦થી વધારીને ૩૦૦ કરવાની માંગણી થઈ હતી. જો કે આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી.

નવા વેજ કોડ અંગે કહેવાય છે કે નવા વેજ કોડમાં કામના કલાકો વધારીને ૧૨ કલાક થઈ જશે. જો કે આ બાબતે સરકાર અગાઉ જ સ્પષ્ટતા કરી ચૂકી છે. શ્રમ મંત્રાલય તરફથી જણાવાયુ છે કે પ્રસ્તાવિત લેબર કોડમાં કહેવાયુ છે કે સપ્તાહમાં ૪૮ કલાક કામકાજનો નિયમ લાગુ થશે. જો કે કેટલાક યુનિયને ૧૨ કલાક કામ અને ૩ દિવસની રજાના નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા. આ બાબતે સરકારે સ્પષ્ટતા કરી હતી કે સપ્તાહમાં ૪૮ કલાકનો નિયમ રહેશે. જો કોઈ દિવસમાં ૮ કલાક કામ કરે તો તેણે સપ્તાહમાં ૬ દિવસ કામ કરવુ પડશે અને એક જ દિવસની રજા મળશે. જો કોઈ કંપની દિવસમાં ૧૨ કલાક કામને અપનાવે તો બાકી ૩ દિવસ તેણે કર્મચારીને રજા આપવી પડશે. જો કામના કલાક વધે તો કામકાજના દિવસ પણ ૬ને બદલે ૫ કે ૪ રહેશે. આ માટે કર્મચારીઓ અને કંપની બન્ને વચ્ચે સહમતી હોવી જરૂરી છે.

પહેલીવાર દેશમાં તમામ પ્રકારના કામદારને મીનીમમ વેજ એટલે કે ન્યુનત્તમ પગાર મળશે. પ્રવાસી મજુરો માટે નવી સ્કીમ આવશે. બધા મજુરોની સામાજિક સુરક્ષા માટે પીએફની સુવિધા અપાશે. સંગઠીત અને અસંગઠીત સેકટરના બધા કર્મચારીઓને ઈએસઆઈનું કવરેજ મળશે. મહિલાઓને પણ બધા પ્રકારના સેકટરમાં કામ કરવાની છૂટ મળશે. નાઈટ શિફટની પણ મંજુરી મળશે.

(10:36 am IST)