Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

હિમાચલ, પંજાબ, દિલ્હી અને યુપીમાં ભારે વરસાદ પડ્યો

૪ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ, રાજસ્થાનમાં પણ વરસાદ :હવામાન ખાતાના પ્રમાણે આગામી બે દિવસ સુધી ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

નવી દિલ્હી, તા. ૨૪ : ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ચોમાસાનો વિધિવત્ પ્રારંભ દેશના ઉત્તરીય રાજ્યોમાં થઈ ગયો છે. બુધવારે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે દિવસ સુધી ઉત્તર ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહીને પગલે દેશનાં ચાર રાજ્યો- યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી તરફ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ નોંધાતાં રસ્તાઓ ધોવાઈ ગયા હતા. કાંગરા અને મંડી જિલ્લામાં જોરદાર વરસાદ થયો હતો. પાલમપુર અને કાંગરા જિલ્લામાં સૌથી ૧૧૦ મિમિ વરસાદ નોંધાયો છે. સિમલામાં ૧૩ મિમિ વરસાદ થયો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૩૦મી જૂન સુધી અહીં વરસાદ રહેશે.

              રાજસ્થાનમાં પહેલાજ દિવસે ત્રાટકેલા વરસાદે એકસાથે ૧૨ જિલ્લા કવર કરી લીધા હતા. બુધવારે જેસલમેરમાં વરસાદ થયો હતો. બાડમેર, પાલી, રાજસમંદ, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાંસવાડા, ઝાલાવાડ, કોટા, બારન, બુંદી, ભીલવાડા અને અજમેરના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા. આ ઉપરાંત મધ્યપ્રદેશના કેટલાક ભાગો, ઉત્તર પ્રદેશ, સમગ્ર હિમાચલ વિસ્તાર, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, સમગ્ર પંજાબ, રાજસ્થાનના કેટલાક ભાગોમાં સાઉથવેસ્ટ મોનસુન આગળ વધી રહ્યું છે. આગામી ૪૮ કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે નવી દિલ્હીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ ઈશ્યુ કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

(10:08 pm IST)