Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

ટ્રમ્પનો આ નિર્ણય ટૂંકી દ્રષ્ટિનો છેઃ આ નિર્ણયથી અમેરિકાના અર્થતંત્રને નુકશાનઃ ટ્વિટર, એમેઝોન

વર્ક વીઝા અટકાવી દેવાથી અમે નિરાશ થયા છીએઃ ગૂગલ સીઈઓ સુંદર પિચાઈ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાંક એમ્પ્લોઈમેન્ટ બેઝડ વર્ક વીઝાને ડિસેમ્બર સુધી અટકાવી દેવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે જેના કારણે અમેરિકામાં કામ કરવાના સપના જોતાં હજારો વિદેશીઓ નિરાશ થયા છે. અમેરિકાના ઈન્ફર્મેશન ટેકનોલોજી ઉદ્યોગો ટ્રમ્પના આ નિર્ણય અંગે કહ્યું હતું કે ટ્રમ્પ વહિવટીતંત્રના આ નિર્ણયથી અમેરિકાના અર્થતંત્રને નુકસાન થશે. ટ્વિટર અને એમેઝોન જેવી મહાકાય કંપનીઓએ ટ્રમ્પના આ નિર્ણયને ટૂંકી દ્રષ્ટિનો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકામાં કામ કરવા આવતા વિદેશીઓને કારણે કોરોના વાયરસના કારણે ખાડે ગયેલા અમેરિકાના અર્થતંત્રને ફરીથી બેઠું થઈ જવાના ઘણી મોટી મદદી મળી શકી હોત. જગવિખ્યાત ગુગલ કંપની ઉપર જેની માલિકી છે તે આલ્ફાબેટ ઈક્રોર્પોરેશનના ચીફ એકિઝકયુટિવ ઓફિસર (સીઈઓ) સુંદર પિચાઈએ ટ્રમ્પના આ નિર્ણય અંગે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર લખ્યું હતું કે તે ઘણા નિરાશ થયા છે. તે સાથે તેમણે એમ પણ લખ્યું હતું કે તે વિદેશી કર્મચારીઓની પડખે જ ઊભા રહેશે અને તમામ લોકોને તક મળે તે માટે તેમના કામનો વ્યાપ વધારી દેશે. ટ્રમ્પે જે જે વર્ક વીઝા સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે તેમાં એચ૧બી ઉપરાંત ટેકનોલોજીના કર્મચારીઓ અને તેઓના પરિવારજનો દ્વારા ઉપયોગમાં લેવાતાં એચ-૪ વીઝા, એક કંપનીમાંથી કર્મચારીની બીજી કંપનીમાં ટ્રાન્સફરને મંજૂરી આપતા એલ ટાઈપના વીઝા અને અભ્યાસની સાથે કામ કરવાની મંજરૂી આપતા જે ટાઈપના વીઝાનો પણ સમાવેશ થાય છે. આ નિર્ણયના પગલે ગ્રીન કાર્ડ ઈસ્યુ કરવાનું કામ પણ ડિસેમ્બર સુધી અટકી જશે, તે ઉપરાંત સીઝનલ કામ માટે વિદેશીઓને અમેરિકામાં આવવાની મંજૂરી આપતાં એચ-૨બી વીઝા પણ અટકી જશે, અલબત ફૂડપ્રોસેસિંગ ઉદ્યોગમાં કામ કરતાં વિદેશીઓને તેમાંથી મુકિત આપવામાં આવી છે એમ સોમવારે પત્રકારોને સંબોધન કરતાં વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું.

(3:32 pm IST)