Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ટ્રમ્પે ઈરાનને ભીંસમાં લીધું : યુએસ અધિકાર ક્ષેત્રમાં તહેરાનના સુપ્રીમ લીડર -અન્ય અધિકારી નાણાકીય પ્રવૃતિ નહીં કરી શકે

ટ્રમ્પએ ઇરાન પરના પ્રતિબંધોવાળા કાર્યકારી આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને વધુ ભીંસમાં લીધું છે  ઇરાન ઉપર હુમલાનો આદેશ રોકી લેવાયા બાદ પણ ઈરાનને પાઠ ભણાવવા ટ્રમ્પએ તેનો  ઇરાદો બદલ્યો નથી. ખાડી વિસ્તારમાં તણાવ વચ્ચે અમેરિકાએ ઇરાન પર આકરા આર્થિક પ્રતિબંધો નાંખ્યા છે.. ટ્રમ્પે ઇરાન પરના પ્રતિબંધોવાળા કાર્યકારી આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રમ્પે કહ્યું કે હવે ઇરાન ઉપર પહેલા કરતાં વધુ કડક પ્રતિબંધ લાગશે.. અને અમેરિકાના અધિકાર ક્ષેત્રમાં તહેરાનના સુપ્રીમ લીડર અને અન્ય અધિકારી નાણાકીય પ્રવૃતિ નહીં કરી શકે. ટ્રમ્પે પ્રતિબંધ એવા સમયે લગાવ્યા છે કે જ્યારે થોડા દિવસો પહેલા ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું હતુ.

ઇરાન પરના પ્રતિબંધોના આદેશ પર હસ્તાક્ષર કરતા સમયે ટ્રમ્પે કહ્યું કે તેઓ ઇરાન અથવા અન્ય કોઇ દેશની સાથે સંઘર્ષ ઇચ્છતા નથી. પરંતુ અમે તે જણાવી દેવા માંગીએ છીએ કે અમે ક્યારેય પણ ઇરાનને પરમાણુ હથિયાર બનાવવા દઇશું નહીં.. ટ્રમ્પે કહ્યું કે અમે ઘણો સંયમ દાખવ્યો છે પરંતુ તેનો મતલબ તે નથી કે અમે ભવિષ્યમાં પણ આવું કરીશું.. અમે આગળ પણ ઇરાન ઉપર દબાણ વધારતા રહીશું.

(12:59 am IST)