Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

પ્રાર્થનાસભા કે લાઇબ્રેરી...

પુસ્તકપ્રેમી ડુંગરશી ગોલાના પુસ્તકપ્રેમથી પ્રેરાઇને દીકરાઓએ તેમની પ્રાર્થનાસભામાં પુસ્તકોનો આપ-લેનો કાર્યક્રમ રાખ્યો અને મોટા પાયે થયું બુકસનું આદાન-પ્રદાન

મુંબઇ તા. ર૪: દાદરના યોગી સભાગૃહમાં તાજેતરમાં એક પ્રાર્થનાસભા જાણે કોઇ લાઇબ્રેરી હોય જોવા મળી હોય એવું દૃશ્ય જોવા મળ્યું હતું. મોટા ભાગનો સમય પુસ્તકોની સાથે વિતાવનારા વાપીના ડુંગરશી ગાલાને તેમના દીકરાઓએ પ્રાર્થનાસભામાં પુસ્તકો રાખીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. કચ્છી સમાજમાં સૌ પ્રથમ વાર આવી પહેલ જોવા મળી હતી અને અંદાજે અઢીસોથી ત્રણસો પુસ્તકોનું આદાતપ્રદાન થયું હતું. નાનપણથી જ જેમણે પોતાના સાથી તરીકે પુસ્તકને જોયાં હતાં એવા વાપીના ડુંગરશી ગાલાના દીકરા અરૂણ ગાલાએ કહ્યું હતું કે 'પપ્પા સેન્ડહર્સ્ટ રોડસ્થિત આવેલી કચ્છીઓની પાલધરી સ્કુલમાં ૧૦ ધોરણ સુધી ભણ્યા હતા. એ સમયે મુંબઇમાં અમારી કરિયાણાની દુકાન હતી તેમ છતાં પપ્પાએ પુસ્તકો વાંચવાનું છોડયું નહોતું.'

૯૦ વર્ષની જૈફ વયે હૃદયરોગના હુમલાને કારણે અરિહંતશરણ થયેલા ડુંગરશીભાઇના દીકરા અરૂણભાઇએ વાતનો દોર આગળ ધપાવતાં કહ્યું હતું કે 'છેલ્લા શ્વાસ સુધી પપ્પાએ વાંચવાનું છોડયું નહોતું. વાપીથી ૧૦ કિલોમીટર દૂર દમણ ખાતે એક લાઇબ્રેરી આવેલી છે જયાં અઠવાડિયામાં બે પુસ્તકો બદલાવી શકાય. પપ્પા બે પુસ્તક લઇ આવે અને બે દિવસમાં તો વંચાઇ જાય પછી પુસ્તકો બદલાવવા માટેની રાહ જુએ. આવું હતું તેમનું ગાંડપણ.'

૩પ વર્ષ પહેલાં મુંબઇથી વાપી સ્થળાંતર કર્યા બાદ કરિયાણામાંથી રશેડીમેડ ગાર્મેન્ટના વેપારમાં અને બાદમાં ઇન્ડસ્ટ્રિીયલ ક્ષેત્રે પગરણ માંડનારા ડુંગરશીભાઇએ વેપાર-ધંધાની સાથે વાંચનના શોખને પણ આત્મસાત કરી લીધો હતો. પોતે તો પુસ્તકો વાંચતાં જ સાથે-સાથે તેમણે તેમનાં પુત્ર-પુત્રીઓને પણ વાંચનથી ઘણું બધું શીખવા મળી શકે છે એવા ઉપદેશ આપીને તેમને પણ વાંચનનો શોખ વળગાડયો. એટલું જ નહીં. પૌત્ર-પૌત્રીઓને પણ તેમણે વાંચવાનું વળગણ લગાડયું.

કચ્છીઓ માત્ર વેપાર-ધંધાની જ પાછળ ભાગતા હોય યે એવું કદાચ ડુંગરશીભાઇ ગાલાના પુસ્તકપ્રેમ પછી તો ન જ કહી શકાય. કચ્છી સમાજના લોકો પણ પુસ્તકમ પ્રત્યે લગાવ રાખે, હંમેશાં એવો ઉદ્દેશ સેવનારા ડુંગરશીભાઇના દીકરાઓએ પિતાને શ્રદ્ધાંજલિ અર્પવા દાદર ખાતેના યોગી સભાગૃહમાં ૧૬મી જૂને યોજાયેલી પ્રાર્થનાસભામાં જૂનાં-નવાં દરેક વિષયોને લગતાં પુસ્તકોની અદલાબદલીનો નવતર પ્રયોગ અપનાવ્યો હતો. સમાજના જ્ઞાનપિપાસુઓએ એટલો બધો ઉત્તમ પ્રતિસાદ આપ્યો હતો કે અંદાજે અઢીસોથી ત્રણસો પુસ્તકોની આપ-લે થઇ હતી. કચ્છી સમાજમાં સૌ પ્રથમ વાર થયેલી પહેલ અને પુસ્તકો પ્રત્યે સમાજના લોકોએ દાખવેલા ઉમળકાને જોતાં આજે ડુંગરશીભાઇના આત્માને જરૂર શાંતિ મળી હશે.

(3:55 pm IST)