Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રીઝર્વ બેન્કમાં ડખ્ખાડુખ્ખીઃ ડે. ગવર્નર વિરલ આચાર્યનું રાજીનામુ

૭ મહિનામાં રીઝર્વ બેન્કને બીજો આંચકોઃ ડીસેમ્બરમાં ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામુ આપ્યુ હતું: હવે વિરલ આચાર્યએ કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા જ પદ છોડતા જબરી ચર્ચાઃ ઉર્જિત પટેલના રાજીનામા બાદ તેઓ અસહજ હતાઃ ઓકટોબરમાં રીઝર્વ બેન્કની સ્વાયતતા જાળવી રાખવાનું નિવેદન આપ્યુ હતુઃ છેલ્લી બે નાણાકીય નીતિ દરમિયાન એમપીસીના બાકીના સભ્યો સાથે તેઓ અસહમત પણ હતા

નવી દિલ્હી, તા. ૨૪ :. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાને એક મોટો આંચકો લાગ્યો છે. કેન્દ્રીય બેન્કના ડે. ગવર્નર વિરલ આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ૭ મહિનાની અંદર બીજી ઘટના છે કે જ્યારે રીઝર્વ બેન્કના કોઈ ઉચ્ચ અધિકારીએ પોતાનો કાર્યકાળ સમાપ્ત થાય તે પહેલા જ પોતાનું પદ છોડી દીધુ હોય. આ પહેલા રીઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે ડીસેમ્બરમાં અંગત કારણોસર રાજીનામુ આપી દીધુ છે.

હવે ડે. ગવર્નર વિરલ આચાર્યએ કાર્યકાળ પુરો થાય તેના ૬ મહિના પહેલા જ પોતાનુ પદ છોડી દીધુ છે. વિરલ આચાર્ય રીઝર્વ બેન્કના એ મોટા અધિકારીઓમાં સામેલ હતા જેમને ઉર્જિત પટેલની ટીમનો હિસ્સો ગણવામાં આવતા હતા. મળતા અહેવાલો મુજબ વિરલ આચાર્ય હવે ન્યુયોર્ક યુનિવર્સિટીની સેટર્ન સ્કૂલ ઓફ બિઝનેશમાં પ્રોફેસર બનશે.

વિરલ આચાર્યએ ૨૩ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ રીઝર્વ બેન્ક જોઈન્ટ કરી હતી. તેઓ ૯૦ના દાયકામાં આર્થિક ઉદારીકરણ બાદથી રીઝર્વ બેન્કના સૌથી ઓછી ઉંમરના ડે. ગવર્નર હતા. ગત ૨૬ ઓકટોબરના રોજ તેમણે રીઝર્વ બેન્કની સ્વાયતતા ચાલુ રાખવાની જરૂર હોવાનું નિવેદન આપ્યુ હતું. ઉર્જિત પટેલે પદ છોડયુ ત્યારથી આચાર્ય પદ છોડવાના મુડમા હતા. વિરલ આચાર્યએ છેલ્લી ૨ વખતની નાણાકીય નીતિ સમીક્ષામાં આર્થિક વિકાસ અને મોંઘવારીને લઈને પોતાનો અલગ મત આપ્યો હતો. હાલની મીટીંગમાં ગવર્નર શકિતકાંત દાસ અને ડે. ગવર્નર વિરલ આચાર્ય વચ્ચે નાણાકીય ખાધ અને તેના યોગ્ય વિશ્લેષણના મુદ્દે અસહમતી જોવા મળી હતી.

રીઝર્વ બેન્કના વરિષ્ઠ ડે. ગવર્નર એન. વિશ્વનાથનનો કાર્યકાળ પણ સમાપ્ત થવાનો છે, પરંતુ વિરલ આચાર્યએ પદ છોડતા તેમનો કાર્યકાળ વધારવામાં આવે તેવી શકયતા છે.

આઈટી મુંબઈના છાત્ર રહેલા આચાર્યએ ૧૯૯૫માં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએટ અને પછી ન્યુયોર્ક યુનિ.થી ૨૦૦૧માં નાણા બાબતમાં પીએચડી કર્યુ હતુ. તેઓ ૨૦૦૧ થી ૨૦૦૮ સુધી લંડન બીઝનેશ સ્કૂલમાં આચાર્ય પણ રહ્યા હતા.

(10:17 am IST)