Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

વેપારીઓ સાવધાન

નફાખોરી પકડવા GSTના અધિકારીઓ નકલી ગ્રાહક બની દરોડા પાડશે

નવી દિલ્હી, તા. ર૪ : વેપારીઓની નફાખોરી પકડવા માટે ટેકસ અધિકારીઓ 'બનાવટી ખરીદી' કરવી, પરિસરની મુલાકાત લેવી અને ઇનવોઇસની ચકાસણી કરવા જેવા પગલા લેશે તેઓ તેમાં ટોચના ર૦ ગૂડ્ઝ અને સર્વિસિસ સપ્લાયર્સને નજરમાં રાખીને આ ચકાસણી કરશે. જીએસટી હેઠળ નવા ચૂસ્ત ફ્રેમવર્ક હેઠળ આ કાર્યવાહી થવાની છે.

એન્ટિ-ઇવેઝન, વેરિફિકેશન, ઓડિટ, ઇન્સ્પેકશન અથવા સર્ચ કામગીરી કરતા જીએસટી અધિકારીઓ નફાખોરી વિરોધી વલણથી ચેકીંગ પણ કરી શકે છે તેમ નવા અને ચુસ્ત મોનિટરિંગ મિકેનિઝમમાં દર્શાવાયું છે. ટેકસ રેટમાં ઘટાડો અને સિમલેસ ઇનપુટ ટેકસ ક્રેડિટથી ઘણી કંપનીઓ નફાખોરી કરતી હોવાની શકયતા છે. એક અધિકારીએ જણાવ્યું કે જીએસટી કાઉન્સિલે નફાખોરી માટે સ્ટાન્ડડૈ ઓપરેટિંગ પ્રક્રિયા મંજૂર કરી છે. કાઉન્સલે શુક્રવારે તેની મિટિંગમાં નેશનલ એન્ટિ-પ્રોફિટિયરીંગ ઓથોરીટી અથવા એનએએનો સમયગાળો બે વર્ષ સુધી વધાર્યો હતો.

કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલી લેટેસ્ટ પ્રક્રિયા પ્રમાણે ટેકસ અધિકારી જીએસટીના દરમાં કાપ બાદ પ્રાથમિક તપાસ કરી શકે છે. અથવા કંપનીએ કોઇ વધારાની ટેકસ ક્રેડિટ લીધી હશે તો તેના રેકોર્ડ પરથી તપાસવામાં આવશે. તેમણે પોતાના મેન્યુફેકચરર્સ સહિત ર૦ સપ્લાયર્સ, વિતરકો અને સર્વિસ પ્રોવાઇડર્સ ઓળખવાના રહેશે તેમની વેલ્યુ ચેઇનમાં બીટુબી ઇનવોઇસ ચકાસવામાં આવશે અને નફાખોરી વિરોધી જોગવાઇની પ્રથમદર્શી તપાસ કરવામાં આવશે. કમિશનરોને બનાવટી ખરીદી કરવાની અને પુરાવા તરીકે ઇનવોઇસ મેળવવાની, સુધારેલા એમઆરપી સાથે સ્ટિકર્સની ચકાસણી કરવાની, સંભવિત નફાખોરીના કિસ્સામાં કોઇ પણ પરિસરની મુલાકાત લઇને તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે. તેના માટે તેમણે સક્ષમ ઓથોરીટીની પૂર્વમંજૂરી લેવાની રહેશે. જીએસટી રેટમાં ઘટાડા પછી ઇનપુટ ટેકસ ક્રેડિટમાં અચાનક વધારો થાય તો તેના પર ઓથોરીટી નજર રાખશે. કંપનીઓના ઇનપુટ ટેકસ ક્રેડિટ લેજર્સની ચકાસણી કરવામાં આવશે. ટેકસ નિષ્ણાતોની સલાહ છે કે નફાખોરીને રૂટિનમાં વધારવી ન જોઇએ. પીડબલ્યુસીના ઇનડાયરેકટ ટેકસના નેશનલ લીડર પ્રતિક જૈને જણાવ્યું કે, 'સરકારે દરેક એસેસમેન્ટ અથવા ઓડિટમાં નફાખોરીનો પ્રશ્ન રૂટિન મેટરમાં ઉઠાવવામાં ન આવે તે જોવું જોઇએ.' નવું ફ્રેમવર્ડ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સને ૭ ઓગસ્ટ ર૦૧૮ના રોજ લખવામાં આવેલા એનએએના પત્રના અનુસંધાનમાં છે જેમાં તેના ફિલ્ડ ઓફીસર્સને ભાવ અંગે 'સુપરવિઝન' જાળવવા માટે કહેવામાં આવ્યું હતું. (૮.પ)

(10:16 am IST)