Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

'બિન ગાંધી' પક્ષના અધ્યક્ષ હોય શકે પણ ગાંધી પરિવારની સક્રિયતા જરૂરી

મણીશંકર ઐય્યરનો અભિપ્રાય

નવી દિલ્હી, તા.૨૪: રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદ પર રહેશે કે નહીં, એ પ્રશ્ન હજુ યથાવત્ છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે રવિવારે જણાવ્યું છે કે, એક 'બિન-ગાંધી' નેતા પાર્ટી પ્રમુખ થઈ શકે છે પરંતુ ગાંધી પરિવારે સંગઠનની અંદર સક્રિય રહેવું પડશે.

મણિશંકર ઐય્યરનો દાવો છે કે ભાજપનું લક્ષ્ય ગાંધી-મુકત કોંગ્રેસનું છે, જેથી કોંગ્રેસ મુકત ભારતનો એમનો ઉદેશ્ય પુરો થઈ શકે. જો રાહુલ ગાંધી પાર્ટી અધ્યક્ષ તરીકે રહે છે તો એ સૌથી સારી બાબત છે પરંતુ આ સાથે તેમની ઈચ્છાનું પણ સમ્માન થવું જોઈએ.

મણિશંકર ઐય્યરે કહ્યું કે, હું નિશ્યિંત છું કે પાર્ટી અધ્યક્ષ ગાંધી-નેહરુ ન હોય તો પણ આપણું અસ્તિત્વ કાયમ રહેશે, શરત એટલી કે નેહરુ-ગાંધી પરિવાર પાર્ટીમાં સક્રિય રહે અને આવા સંકટનું સમાધાન લાવવામાં મદદ કરે, જયાં ગંભીર મતભેદો ઉત્પન્ન થાય. તેમણે કહ્યું કે, રાહુલે અધ્યક્ષ પદ માટે કોઈ અન્ય વિકલ્પ શોધવા માટે એક મહિનાનો સમય આપ્યો છે અને આ મુદ્દાને લઈને કોંગ્રેસની અંદર વાતચીત ચાલું છે, જયાં પાર્ટીમાં મોટાભાગના લોકો રાહુલ પદ પર રહે એના પક્ષમાં છે.

(10:14 am IST)