Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

પંડિત નહેરુના કારણે ન થઈ શકી શ્યામા પ્રસાદ મુખર્જી હત્યાકાંડની તપાસઃ નડ્ડા

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે ફરી એકવાર કોંગ્રેસ પર મોટો પ્રહાર

નવી દિલ્હી, તા.૨૪: ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે ફરી એકવાર કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. જેપી નડ્ડાએ કહ્યું કે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના મોતની તપાસ સમગ્ર દેશ કરાવવું માંગતું હતું, પરંતુ પંડિત નહેરુએ તેની તપાસના આદેશ ન આપ્યા. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને યાદ કરતાં નડ્ડાએ કહ્યું કે ડો. મુખર્જીનું બલિદાન કયારેય વ્યર્થ નહીં જાય, ભાજપ તેને લઈને પ્રતિબદ્ઘ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે ડો. મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદ, દૂરંદેશી અને દિશા આપનારા અમારા નેતા હતા. તેઓએ કહ્યું કે ડો. મુખર્જી કોઈ પદથી જોડાયેલી વ્યકિત નહોતા, તે તો દેશની સેવા કરવા માટે આગળ આવ્યા હતા.

જેપી નડ્ડાએ જણાવ્યું કે ડાઙ્ખ. મુખર્જીએ કહ્યું હતું કે ભારતના તિરંગાનું જ સન્માન થવું જોઈએ તેથી બે નિશાન, બે કાયદા અને બે પ્રધાન નહીં ચાલે. તેમના બલિદાનના કારણે જે આજે જમ્મુ-કાશ્મીરથી પરમિટ સિસ્ટમ સમાપ્ત થઈ છે.

ડો. મુખર્જીએ પોતાના જીવનમાં જે કાર્ય કર્યા તે એ વખતના સમયથી દ્યણા આગળ હતા. તેમના જ પ્રયાસોથી જ આજે પશ્યિમ બંગાળ અને કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે. દેશ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને સદાય સ્મરણ કરતો રહેશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય નેતાઓએ રાજધાની દિલ્હીના ભાજપ હેડકવાર્ટરમાં શ્રદ્ઘાંજલિ અર્પિત કરી.

 

(9:50 am IST)