Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

બજેટ : આવકવેરા મુક્તિ મર્યાદા વધે તેવી સંભાવના

પ્રચંડ બહુમતિ સાથે સરકાર આવ્યા બાદ આશા : વર્ષ-૨૦૧૪ બાદથી મુળભુત મુક્તિ મર્યાદા ૨.૫ લાખની વધારવામાં આવી નથી જેથી આ વખતે સુધારાની શક્યતા

નવી દિલ્હી,તા. ૨૩ : સામાન્ય બજેટ પાંચમી જુલાઈના દિવસે નાણાંમંત્રી નિર્મલા સીતારામન રજુ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ કેન્દ્રિય બજેટ ૨૦૧૯ને લઈને તમામની નજર કેન્દ્રિત થઈ ગઈ છે. પ્રગતિશીલ આર્થિક સુધારાની પ્રક્રિયા ઝડપી રીતે આગળ વધી શકે છે. સામાન્ય લોકો અનેક પ્રકારની આશા બજેટને લઈને રાખી રહ્યા છે. ટેક્સરેટમાં સુધારો કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૪ બાદથી મુળભુત આવકવેરા મુક્તિ મર્યાદા જે ૨.૫ લાખ રૂપિયાની છે તેમાં સુધારો કરવામાં આવ્યો નથી. સરકાર દ્વારા ટેક્સના સ્લેબને પણ તર્કસંગત બનાવવામાં આવી શકે છે. વર્તમાન સ્લેબના રેટ હાલમાં જ ૨.૫ લાખ રૂપિયાથી ૫ લાખ રૂપિયા સુધીની આવક માટે દસ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા હતા. જ્યારે ૫ લાખથી વધુ અને ૧૦ લાખ રૂપિયા સુધી આગામી ઈન્કમને સ્લેબ માટે ૨૦ ટકા કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પગારદાર વર્ગ અને અન્યોને રાહત આપી શકે છે. આવીજ રીતે ટેક્સ બચત મુડી રોકાણ માટે કલમ ૮૦સી હેઠળ કપાત માટેની મર્યાદા છેલ્લે ૨૦૧૪માં સુધારીને ૧.૫ લાખ રૂપિયા કરવામાં આવી હતી. તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આ મર્યાદાને હવે વ્યક્તિગત આવક મેળવનાર લોકોને રાહત આપવાના હેતુસર ઓછામાં ઓછી ૨ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. આવી જ રીતે બે વર્ષ અગાઉ સરકારે ભત્તાઓમાં ફેરફાર કર્યા હતા. સરકાર આ વખતે રજા પ્રવાસ ભરતા માટે વાર્ષિક મુક્તિ આપી શકે છે. આવી જ રીતે વર્તમાન જોગવાઈ મુજબ હાઉસિંગ રેન્ટ ભત્તામાં પણ રાહત આપી શકે છે. હોમ લોન માટે વ્યાજ કપાતમાં સુધારો કરવામાં આવી શકે છે. આવાસ ખરીદનાર લોકોને પણ બજેટમાં કેટલીક રાહત મળી શકે છે. પાંચમી જુલાઇના દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે.  બજેટ નિર્માણની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. બજેટ નિર્માણની પ્રક્રિયા હાલમાં જોરદાર રીતે ચાલી રહી છે. સામાન્ય બજેટ આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે બજેટમાં શુ આવશે અને શુ નહીં આવે તેની લઇને નિષ્ણાંતોમાં ચર્ચા ચાલી રહી છે. સતત બીજી વખત લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પાસેથી ખુબ સારા બજેટની અપેક્ષા લોકો રાખી રહ્યા છે. બીજી અવધિના તેના પ્રથમ બજેટમાં સરકાર જુદા જુદા વર્ગને ચોક્કસપણે કોઇ ભેંટ આપી શકે છે. નવા નાણાંપ્રધાન નિર્મલા સીતારમન ખુબ જ કુશળ હોવાથી તેમની પાસેથી જોરદાર બજેટની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

(12:00 am IST)