Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

દરેક કર્મીને એપોઇન્ટમેન્ટ લેટર, લઘુત્તમ વેતન મળશે

કર્મચારીઓ અને મજુરોને ખુશ કરવાની તૈયારી : નવા બિલથી લોકોને રાહત મળશે : ૩ મહત્વપૂર્ણ કાયદા ટૂંક સમયમાં જ પસાર કરવાની મોદી સરકારની તૈયારી

નવીદિલ્હી, તા. ૨૪ : આગામી લોકસભાની ચૂંટણી અને આ વર્ષે યોજાનાર રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓને ધ્યાનમાં લઇને સરકાર દેશના કર્મચારીઓ અને મજુરોને ખુશ કરવાની તૈયારીમાં છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ચક્કરમાં મજુર વિરોધી છાપ ઉભી ન થઇ જાય તેની ખાતરી કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના ભાગરુપે સરકાર કર્મચારીઓ અને મજુરોને ખુશ કરી શકે છે. ત્રણ નવા કાયદા લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સૌથી મહત્વપૂર્ણ બિલ ઓક્યુપેન્શનલ સેફ્ટી હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન એટલે કે કારોબારી સુરક્ષા, આરોગ્ય અને કામની સ્થિતિને લઇને છે. આ ડ્રાફ્ટ કોડમાં જોગવાઈ કરવામાં આવી છે કે, ઓછામાં ઓછા ૧૦ કર્મચારીવાળી કંપની, ફેક્ટ્રી અથવા તો સંસ્થાઓને પોતાના દરેક કર્મચારીને એપોઇન્ટમેન્ટ લેટર અથવા તો નિયુક્તિપત્ર આપવાની ફરજ પડશે. નિયુક્તિપત્ર સોંપ્યા વગર કોઇ કર્મચારી પાસેથી કામ લઇ શકાશે નહીં. આ પત્ર આપવાનો મતલબ એ છે કે, તેમને લઘુત્તમ પગાર આપવાની ફરજ પડશે. સાથે સાથે કંપની લો મુજબ દરેક કર્મચારીને તમામ પ્રકારની સુવિધા આપવી પડશે. આ ઉપરાંત આ ડ્રાફ્ટ કોડમાં નોકરીના સ્થળ ઉપર કર્મચારીને પુરતી સુરક્ષા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કંપનીને આ બાબતનું ધ્યાન રાખવું પડશે કે વર્કિંગ પ્લેસમાં કોઇ એવી બાબત ન બને જેનાથી કર્મચારીઓ બિમાર થઇ જાય અથવા તો ઘાયલ થઇ જવાનો ખતરો રહે. આવી સ્થિતિમાં કંપનીઓની સામે પગલા લેવામાં આવશે. કર્મચારીઓને વળતર ચુકવવામાં આવશે. અન્ય બિલ કોડ ઓન વેજેજ છે. આ બિલ કેન્દ્રને તમામ સેક્ટર માટે લઘુત્તમ મજુરી નક્કી કરવા માટેનો અધિકાર આપે છે. આનુ પાલન રાજ્યોને પણ કરવાનું રહેશે. જે હેઠળ ચાર કાયદા મિનિમમ વેજેજ એક્ટ ૧૯૪૮, પેમેન્ટ ઓફ વેજેજ એક્ટ ૧૯૩૬, પેમેન્ટ ઓફ બોનસ એક્ટ ૧૯૬૫ અને ઇક્વલ રિમૂવને રેશન એક્ટ ૧૯૭૬ને મળીને વેજેજ એટલે કે વેતનની પરિભાષા નક્કી કરવામાં આવશે. અન્ય બિલ સોશિયલ સિક્યુરિટી કોડ છે જે હેઠળ સરકાર રિટાયર્ડમેન્ટ, હેલ્થ, ઓલ્ડએજ, ડિસેબિલિટી, બેરોજગારી, મેટરનીટી લાભ આપવા માટે એક મોટી વ્યવસ્થાની દરખાસ્ત છે. પ્રથમ પ્રધાન સંતોષ ગંગવારે આ પ્રસ્તાવને લઇને કહ્યું છે કે, સરકારકર્મચારીઓ અને મજુરો માટે શક્ય થાય તેટલું વધુ કામ કરી રહી છે. નિષ્ણાતો અને ઇન્ડસ્ટ્રી પાસેથી પણ આ સંદર્ભમાં અભિપ્રાય માંગવામાં આવ્યા છે. જે અભિપ્રાય યોગ્ય લાગી રહ્યા છે તેમને નીતિ તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.

(7:40 pm IST)