Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સર્વર ઠપ : એર ઈન્ડિયાની વિમાની સેવાને અસર થઈ

ટેકનિકલ ખામી સર્જાતા યાત્રીઓ મુશ્કેલીમાં : અનેક યાત્રીઓએ નાગરિક ઉડ્ડયન મંત્રીની સમક્ષ પોતાની નારાજગી ટ્વીટર પર વ્યક્ત કરી : ૨૩ ફ્લાઈટોને અસર

નવી દિલ્હી,તા. ૨૩ : દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથક સહિત દેશભરમાં એર ઈન્ડિયાની વિમાની સેવામાં આજે બપોરે માઠી અસર થઈ હતી. સર્વર ઠપ થઈ જવાના કારણે દેશભરમાં એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટોને માઠી અસર થઈ હતી. એરપોર્ટના અધિકારીઓએ વિગત આપતા કહ્યું છે કે આનું કારણ એરલાઈન કંપનીના સર્વરમાં ટેકનિકલ ખામી રહી હતી. અલબત્ત આ સમસ્યાને હવે ઉકેલી લેવામાં આવી છે. સર્વર હવે પહેલાની જેમ કામ કરી રહ્યું છે પરંતુ સર્વર કેટલાક કલાકો માટે ડાઉન થઈ જતા ફ્લાઈટોને માઠી અસર થઈ હતી પરંતુ હવે તમામ પ્રક્રિયા સામાન્ય બની ચુકી છે. દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે વિગત આપતા કહ્યું છે કે સમસ્યાને ઉકેલી લેવાઈ છે. બીજી બાજુ એર ઈન્ડિયાના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે ૨૩ વિમાનોની સેવા ખોરવાઈ ગઈ હતી. સોફ્ટવેરમાં તકલીફ આવવાના કારણે ફ્લાઈટોમાં ૧૫થી ૩૦ મિનિટનો વિલંબ થયો હતો. પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે સોફ્ટવેર સંબધિત સમસ્યાના પરિણામ સ્વરૂપે બપોરે ૧ થી ૨.૩૦ વાગ્યા સુધી સેવા ઠપ થઈ હતી. આ ગાળા દરમિયાન ચેક ઈન અને અન્ય સેવાઓ હાથ ધરવામાં આવી હતી પરંતુ આ સેવાઓ મેન્યુઅલી હાથ ધરવામાં આવી હતી. એર ઈન્ડિયાના સોફ્ટવેર સંબંધિત કામ વૈશ્વિક એરલાઈન્સ આઈટી સર્વિસ એસઆઈટીએ દ્વારા હાથ ધરવામાં આવી છે જે તેને ચેક ઈન, બોર્ડિંગ, બગેજ ટ્રેકિંગ ટેકનોલોજી ઉપલબ્ધ કરાવે છે. વિમાનોના સંચાલનમાં વિલંબ થવાના પરિણામ સ્વરૂપે મોટી સંખ્યામાં યાત્રીઓ અટવાઈ પડ્યા હતા. આમાંથી કેટલાક વિમાની યાત્રીઓએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. પોતાની સમસ્યા ટ્વીટર ઉપર નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને પણ જણાવી હતી. એર ઈન્ડિયામાં આ પ્રકારની તકલીફ ઉભી થવાના કારણે એરલાઈન્સના અધિકારીઓ દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી હતી. જોકે હજારોની સંખ્યામાં યાત્રીઓમાં નારાજગી જોવા મળી હતી.

(12:00 am IST)