Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમનઃ પારડીમાં ૪.પ, વાપીમાં ૩.પ, વલસાડ જિલ્લામાં ૨.પ ઇંચ વરસાદઃ મુંબઇમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી

વલસાડઃ સૌરાષ્‍ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ધીમે-ધીમે મેઘરાજા મહેરબાન થઇ રહ્યા હોય તેવું વાતાવરણ છવાઇ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્‍ટ્રી થઇ છે. અહીં ઝાપટાથી માંડીને સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

વલસાડ જિલ્લામાં મોડીરાતથી વહેલી સવાર સુધી અઢી ઇંચ વરસાદ પડ્યો છે.    તમામ તાલુકાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કપરાડામાં 15 મીમી, ધરમપુર 08 મીમી વરસાદ ખાબક્યો. તો વલસાડમાં 2.4 ઈંચ, વાપીમાં 3.2 ઈંચ અને પારડીમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. મોગરાવાડી રેલવે ગરનાળું લગભગ અડધુ પાણીમાં ગરકાવ થઇ ગયું છે.

ડાંગ જિલ્લાના વઘઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુબીર 35 મીમી, વઘઈ 150 મીમી વરસાદ પડ્યો હતો. તો છેલ્લા 24 કલાકમાં આહવા 10 મીમી કરતા વધુ વરસાદ ખાબક્યો. વઘઈમાં એક કલાક સુધી પડેલા વરસાદના કારણે જનજીનવ પર અસર પડી છે. શહેરના મુખ્યમાર્ગોમાં પર પાણી ભરાવવાના કારણે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જ્યારે વઘઈમાં પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

તો તરફ મુંબઇમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. બોરીવલી,મીરા રોડ,પાર્લા,ચેમ્બુરમાં વરસાદની પધરાણી થઇ હતી. જેને લઇ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા

સાબરકાંઠા જીલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પોશીનાના ખેડબ્રહ્મા, ઇડર, વડાલી પંથકમાં પવન સાથે વરસાદ થયો હતો . ધોધમાર વરસાદની લોકોએ મજા માણી હતી. પોશીનાની સેઈ નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઉપરવાસમાં વધુ વરસાદને લઈને સેઇ નદીમાં નવા નીર આવ્યા હતા.જો કે પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

(6:28 pm IST)