Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભ્રષ્ટાચારના આરોપમાં પંજાબના આરોગ્‍ય મંત્રી ડો. વિજય સિંગલાની હકાલપટ્ટીઃ ધરપકડ

સ્‍વાસ્‍થ્‍ય મંત્રી વિજય સિંગલા કોન્‍ટ્રાક્‍ટ પર અધિકારીઓ પાસેથી એક ટકા કમિશનની માંગ કરી : પંજાબની ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી

ચંડીગઢ, તા.૨૪: અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચાર વિરોધી મોડલ હેઠળ, પંજાબની ભગવંત માન સરકારે મંગળવારે મોટી કાર્યવાહી કરી, તેના મંત્રીને બરતરફ કર્યા. પંજાબના આરોગ્‍ય મંત્રી ડો. વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના મજબૂત પુરાવા મળ્‍યા હતા. જે બાદ એન્‍ટી કરપ્‍શન બ્રાન્‍ચે વિજય સિંગલાની ધરપકડ કરી છે. તે જ સમયે, સૂત્રોના જણાવ્‍યા અનુસાર, સિંગલાને આમ આદમી પાર્ટીમાંથી હાંકી કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, સ્‍વાસ્‍થ્‍ય મંત્રી વિજય સિંગલા કોન્‍ટ્રાક્‍ટ પર અધિકારીઓ પાસેથી એક ટકા કમિશનની માંગ કરી રહ્યા હતા. ફરિયાદ મળતાં જ મુખ્‍યમંત્રી ભગવંત માને તેમને નોકરીમાંથી કાઢી મૂક્‍યા હતા. દેશના ઈતિહાસમાં બીજી વખત કોઈ મુખ્‍યમંત્રીએ પોતાના મંત્રી સામે સીધા કડક પગલા લીધા છે. ભગવંત માને કહ્યું કે લોકોએ ઘણી અપેક્ષાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તે અપેક્ષા પૂરી કરવી એ આપણી ફરજ છે. એક ટકા પણ ભ્રષ્ટાચાર સાંખી લેવામાં આવશે નહીં.
માને કહ્યું કે અરવિંદ કેજરીવાલે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ ભ્રષ્ટાચારની વ્‍યવસ્‍થાને જડમૂળથી ઉખાડી દેશે, અમે બધા તેમના સૈનિક છીએ. ૨૦૧૫ માં, દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ભ્રષ્ટાચારના કેસમાં તેમના એક મંત્રીને બરતરફ કર્યા હતા. આજે દેશમાં બીજી વખત આવું બની રહ્યું છે. મુખ્‍યમંત્રી ભગવંત માને પણ વિજય સિંગલાની સામે ફોજદારી કેસ નોંધવાની સૂચના આપી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર મંત્રીએ પોતાની ભૂલ સ્‍વીકારી લીધી છે.
ડો. વિજય સિંગલા, જેઓ સામાન્‍ય ડોક્‍ટરમાંથી મંત્રી પદ સુધી પહોંચ્‍યા, તેમણે પટિયાલાની રાજીન્‍દ્રા મેડિકલ કોલેજમાંથી બીડીએસનું શિક્ષણ પૂર્ણ કર્યું. તેમના પિતા કેશોરામ સિંગલા ભૂપાલ કલાણ ગામમાં એક નાનકડી કરિયાણાની દુકાન ચલાવતા હતા, જેઓ પાછળથી માણસા સ્‍થળાંતર થઈને રહેતા હતા. લગભગ ૧૦ વર્ષ પહેલા સિંગલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આ વખતે તેમને માણસા વિધાનસભાથી AAP દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. ડો. સિંગલાએ માનસાથી કોંગ્રેસના પ્રખ્‍યાત ગાયક સિદ્ધુ મૂઝવાલાને ૬૦ હજારથી વધુ મતોથી હરાવ્‍યા હતા.(૨૩.૨૪)

 

(4:17 pm IST)