Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પ્રીન્‍ટ મીડીયાનું ભવિષ્‍ય અંધકારમય !!!

ભારતમાં અખબાર અને ટીવી જોનારા સતત ઘટી રહયા છે, મોબાઈલ ફોન તરફ વધતું જાય છે આકર્ષણ

નવીદિલ્‍હીઃ ભારતમાં માસ મીડીયાના વિવિધ માધ્‍યમ અખબાર, ટીવી, રેડીયો, સીનેમા પ્રત્‍યેનું વલણ છેલ્લા ૧૫ વર્ષમાં ઘટયું છે. રાષ્‍ટ્રીય પરિવાર આરોગ્‍ય સર્વેક્ષણ એનએફએચએસ ૩ (૨૦૦૫-૦૬), એનએફએચએસ-૪ (૨૦૧૫-૧૬) અને એનએફએચએસ-૫ (૨૦૧૯-૨૧)ના આંકડાઓની ‘ધી પ્રીન્‍ટ'એ જયારે સરખામણી કરી તો આ માહિતી સામે આવી છે.

ભારતમાં ટીવી અને અખબાર હજુ પણ લોકોની પહેલી પસંદ છે પણ છેલ્લા ૧૫ વર્ષોમાં તેને વાંચનાર અને જોનાર લોકોની સંખ્‍યામાં ઘટાડો જોવા મળ્‍યો છે. આના માટેના કારણોમાં સૌથી મુખ્‍ય મોબાઈલ તરફ લોકોને ઝુકાવ છે.એનએફએસએચના તજા આંકડાઓથી જાણવા મળે છે કે ભારતના ૯૩.૩ ટકા ઘરોમાં લોકો પાસે મોબાઈલ છે. શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મોબાઈલની સંખ્‍યા લગભગ સરખી છે. શહેરી ઘરોમાં ૯૬.૭ ટકા મોબાઈલ છે તો ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૯૧.૫ ટકા ઘરોમાં મોબાઈલ ફોન છે.એનએફએસએચ-૩ના આંકડાઓ અનુસાર અઠવાડીયામાં ઓછામાં ઓછા એકવાર ટીવી જોનાર મહિલાઓ અને પુરૂષોની સંખ્‍યા ક્રમશઃ ૫૫ અને ૬૩ ટકા હતી. જે એનએફએસએચ-૫ અનુસાર ઘટીને ૫૪ અને ૫૬ ટકા થઈ ગઈ છે.

આવી જ રીતે અખબાર વાંચનાર લોકોમાં પણ ઘટાડો જોવા મળ્‍યો છે. ડીજીટલ મીડીયા વધવાની સાથે અખબાર વાંચનાર લોકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્‍ડિયન રીડરશીપ સર્વેના આંકડા પણ એ જ દર્શાવે છે કે પ્રીન્‍ટ મીડીયાનું ભાવી બહુ અંધકાર મય છે અને અખબારોનું સર્કયુલેશન સતત ઘટતું જાય છે. કાશી હિંદુ વિશ્વ વિદ્યાલયના પત્રકારત્‍વ વિભાગના એસોસીએટ પ્રોફેસર જ્ઞાન પ્રકાશ મિશ્રાએ જણાવ્‍યું કે સોશ્‍યલ મીડીયા અને ડીજીટલ મીડીયાના કારણે અખબાર અને ટેલીવીઝન તરફ  લોકોનું વલણ ઘટયું છે. લોકો હવે મોબાઈલ ફોન પર જ સમાચારો વાંચી લે છે.

(3:51 pm IST)