Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોંઘવારીએ માઝા મૂકતા ઘરનું માસિક બજેટ ૧૦% વધ્‍યું

ભારતીય સામે હાલ એક સાંધે ત્‍યાં તેર તૂટે જેવી વિકટ પરિસ્‍થિતિ ઉભી થઇ : પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યતેલોના ભાવ આસમાને પહોંચતા ભારતીય પરિવારોના માસિક બજેટ ખોરવાઇ ગયા છે

નવી દિલ્‍હી તા. ૨૪ : કૂદકેને ભૂસકે વધી રહેલા મોંઘવારીના કારણે લોકોના ખિસ્‍સા હળવા થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય પરિવારોના મંથલી બજેટમાં ઓછામાં ઓછો ૧૦ ટકાનો વધારો થયો છે. બીજા શબ્‍દોમાં કહીયે તો ભારતીય સામે હાલ એક સાંધે ત્‍યાં તેર તૂટે જેવી વિકટ પરિસ્‍થિતિ ઉભી થઇ રહી છે.

ભારતીય પરિવારોના માસિક બજેટમાં વધારા અંગે એક સર્વે કરવામાં આવ્‍યો હતો. આ સર્વેમાં સામેલ ૭૦ ટકા લોકોએ સ્‍વીકાર્યુ કે તેમના ઘરના માસિક બજેટમાં ઓછામાં ઓછો ૧૦ ટકાનો થયો છે, તો ૫૫ ટકા લોકો આગામી ત્રણ મહિનામાં ભાવ હજી ૧૦ ટકા વધવાની આશંકા વ્‍યક્‍ત કરી રહ્યા છે. સર્વેના વિશ્‍લેષણ મુજબ ૨૬ ટકા ભારતીય કુટુંબોના માસિક ઘર ખર્ચમાં ૨૦થી ૩૦ ટકાનો વધારો થયો છે, તો ત્રણ ટકાના મતે તેમનું માસિક બજેટ અધધ... ૫૦ ટકા વધું ગયું છે. સર્વેમાં ભાગ લેનાર કુલ ૯૨ ટકા પરિવારોએ જણાવ્‍યું કે, છેલ્લા ત્રણ મહિનામાં પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલો, ઘરવપરાશની આવશ્‍યક ચીજવસ્‍તુઓ અને અન્‍ય સંબંધિત ચીજવસ્‍તુઓ અને સેવાઓના ભાવમાં કમરતોડ વધારો થયો છે. જેના કારણે થતાં તેમના માસિક ઘર ખર્ચમાં વધારો થયો છે.

આ સર્વે કરનાર સંસ્‍થાઓએ ૩૨૩ જિલ્લાઓમાં ૧૨,૦૦૦થી વધુ પરિવારોના ૨૩,૫૦૦થી વ્‍યક્‍તિઓના અભિપ્રાયો મેળવ્‍યા હતા. તાજેતરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા મોંઘવારીના આંકડા મુજબ એપ્રિલ મહિનાનો જથ્‍થાબંધ ફુગાવો ૧૫.૦૮ ટકા નોંધાયો છે જે ૩૦ વર્ષનો સૌથી ઉંચો મોંઘવારી દર છે. મહામારી બાદ સરળ ધિરાણ નીતિ અને ઉંચી તરલતાની નીતિના દૂષપરિણામ સ્‍વરૂપે મોંઘવારી બેફામ બની છે અને ગરીબ-મધ્‍યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્‍કેલ બની ગયુ છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલો, ખાદ્ય ચીજવસ્‍તુઓ, વીજળી, વિવિધ ખનિજોના ભાવ આસમાને પહોંચતા મોંઘવારીએ માઝા મુકી છે. ઘર ખર્ચમાં વધારો, વધતી મોંઘવારી, આર્થિક મંદીની આશંકા અને મર્યાદિત આવકથી ભારતીયોએ બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાનું શરૂ કર્યુ છે.

(11:12 am IST)