Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઋષભ પંત સાથે 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર પોલીસના હાથે ઝડપાયો : જેલહવાલે

હરિયાણાના ક્રિકેટર મૃણાક સિંહ વિરુદ્ધ પંતે કરી છેતરપિંડીની ફરિયાદ : મુંબઈના વેપારી સાથે છ લાખની છેતરપીંડી કરી હતી

મુંબઈ :  ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત અને તેની સુકાની દિલ્હી કેપિટલ્સ માટે પ્લેઓફમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયા હતા. ક્રિકેટના મેદાન પર નિરાશાની સાથે તેને મેદાનની બહાર પણ મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના વિકેટકીપર-બેટ્સમેનને 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.આ બનાવટનું કામ એક ક્રિકેટરે જ કર્યું છે. મળતી માહિતી મુજબ, ઋષભ પંત અને તેના મેનેજરે હરિયાણાના ક્રિકેટર મૃણાક સિંહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ક્રિકેટરની મુંબઈ પોલીસે બનાવટી કેસમાં તાજેતરમાં ધરપકડ કરી હતી.

મીડિયા અહેવાલ મુજબ, પંતને દગો આપનાર મૃણાક સિંહ હરિયાણાનો પૂર્વ ક્રિકેટર છે અને છેલ્લા કેટલાક સમયથી લોકોને છેતરવાનું કામ કરી રહ્યો છે. આવી જ એક છેતરપિંડી તેણે મુંબઈના એક વેપારી સાથે કરી હતી. આ આરોપી વેપારીઓ અને ક્રિકેટરોને મોંઘી અને લક્ઝરી ઘડિયાળો અને મોબાઈલ ફોન સસ્તામાં અપાવવાના ખોટા વાયદાઓ કરતો હતો અને પછી તેમની સાથે છેતરપિંડી કરતો હતો.

આરોપી શખ્શે મુંબઈના એક બિઝનેસમેન સાથે 6 લાખની છેતરપિંડી પણ કરી હતી, જે બાદ તેની થોડા દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે આર્થર રોડ જેલમાં બંધ છે. માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2021 માં, આ આરોપીએ પંતને આવા જ વચનો આપ્યા હતા અને પંતે બે મોંઘી ઘડિયાળો માટે લગભગ 1.63 કરોડ ચૂકવ્યા હતા. આ ઘટના અંગે પંત અને તેના મેનેજર પુનીત સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ સાકેત કોર્ટે મ્રીંક સિંહને હાજર કરવા માટે આર્થર રોડ જેલને નોટિસ ફટકારી છે.

દેખીતી રીતે જ પંતનું ધ્યાન આ ઘટના પર પણ હશે અને તે આશા રાખશે કે તેણે ખર્ચ કરેલા પૈસા તેને જલ્દીથી પરત મળી જશે. પરંતુ આ સિવાય પંતની નજર હવે IPL 2022 ની નિષ્ફળતા બાદ સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં સારા પ્રદર્શન સાથે ખરાબ તબક્કાને પાછળ છોડવા પર રહેશે. સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ બાદ પંત ઈંગ્લેન્ડના પ્રવાસે પણ જશે, જ્યાં ભારતીય ટીમે એક ટેસ્ટ મેચ અને 6 ODI-T20 મેચ રમવાની છે.

(12:50 am IST)