Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

કોરોના મહામારી વચ્‍ચે ગુજરાતના ૧૦૦૦ લોકો અબુધાબીમાં ફસાયા : ભારત સરકાર સમક્ષ મદદનો હાથ લંબાવ્‍યો

તમામ લોકોને વંદેમાતરમ મીશન હેઠળ વતન પરત બોલાવવા માંગણી

સુરત : ગુજરાતના રોજગારી માટે વિદેશ ગયેલા ૧૦૦૦ થી વધુ લોકો અબુધાબીમાં ફસાતા તેઓને વતન પરત લાવવા ભારત પાસે મદદ માંગી છે.

વિદેશમાં રોજગારી માટે ગયેલા ગુજરાત અને તેમાં પણ દક્ષિણ ગુજરાતના લોકો અબુધાબીમાં ફસાયા છે. છેલ્લા બે મહિનાથી ફસાયેલા લોકો પાસે રૂપિયા નથી ત્યારે રાહત કેમ્પમાં રહીને પોતાના દિવસ પસાર કરી રહેલા  દક્ષિણ ગુજરાતના 150ની સાથે 1000થી વધુ ગુજરાતીઓ અબુ ધાબીમાં ફસાયા છે. આ લોકોએ ભારત અને ગુજરાત સરકારને અરીલ કરતા વીડિયો મોકલ્યા છે. જેમા તેમણે જણાવ્યું છે કે, અમને વતન પરત લાવવા કોઈ આયોજન કરવા આવે.  નહિતર અમારે લોકોએ અબુધાબીમાં  જ સમાધી લેવી પડે એવા દિવસો આવી ગયા છે. અબુધાબીથી સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી સરકાર પાસે મદદ માંગી છે. આ તરફ સુરત-નવસારીના પરિમલભાઈ દેસાઇનો પ્રધાનમંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યોને ખુલ્લો પત્ર લખી વિદેશમાં નોકરી કરતા ગુજરાતીઓની આપવીતીથી વાકેફ કરાવ્યા છે. જોકે, ફસાયેલા યુવાનો દ્વારા એમ્બેસીમાંથી પણ રજુવાત કરવામાં આવી છે પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.

કોરોના વાયરસને કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે દક્ષિણ ગુજરાત સાથે ગુજરાતનાં એક હજાર કરતા વધુ લોકો અબુધાબીમાં રોજગાર માટે ગયા હતા. આ લોકો ત્યાં નોકરી કરી સ્વદેશમાં રહેતા પરિવારને આર્થિક મદદ કરતા હતા. પણ જે રીતે લોકડાઉન આવ્યુ છે,  છેલ્લા બે મહિનાથી બેકાર બનેલા આ લોકો પાસે હવે રૂપિયા પણ પતિ ગયા છે. તેવામાં આ તમામ લોકો રાહત કેમ્પમાં રહીને પોતાના દિવસ પસાર કરી રહ્યાં છે. તેમને સ્વદેશ પરત ફરવું છે જેને લઇને આ લોકો સતત અબુધાબીમાં આવેલી ભારત એમ્બસીને પણ અનેક વખત માંડીને રજૂઆત કરી છે.

આ ફસાયેલા ગુજરાતીઓને છેલ્લા બે મહિનાથી પગાર પણ મળ્યો નથી. વિઝા પુરા થઈ ગયા હોવાથી ઘણા લોકોના ફોન પણ બંધ થઈ ગયા છે. પરિવાર સાથેનો સંપર્કનો છેલ્લો રસ્તો પણ બંધ થઈ જતા માનસિક તણાવમાં જીવી રહ્યા છે. અહીં એમ્બેસીમાં રજૂઆત પણ કરી છે. પરંતુ તેઓનો એક જ કોમન જવાબ હોય છે કે, ભારતથી કોઈ જવાબ આવે તો અમે કંઈક કરી શકીએ. અમારા તમામ લોકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે.  જેમા અમે અહીં ફસાયેલા લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. કેટલાક લોકો અહીં વિઝીટર વિઝા પર આવ્યા છે. હવે અમે સરકાર પાસે એટલી જ આશા રાખીએ કે તેઓ અમને પરત લાવવા માટે કોઈ રસ્તો કાઢે.

વડાપ્રધાન, વિદેશ પ્રધાનથી લઈ સાંસદ-ધારાસભ્યોને અનેક પત્ર લખ્યા પણ હજી કોઈ મદદ મળી નથી. પોતાની બચતના ખર્ચે સસ્તી હોટેલમાં રૂમ લઈ જીવી રહ્યા છે. સરકારની સૂચિત વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ કોઈ સહકાર મળ્યો નથી.

અમારા તમામની એક જ અપીલ છે, વંદે ભારત મિશન હેઠળ આબુધાબી ફલાઇટ મોકલી અમને ગુજરાત પરત લાવો, સાહેબ અમારી વેદના સમજો નહિતર અહીંયા લોકો આપઘાતના વિચાર વ્યક્ત કરતા જોઈ ઘણું દુઃખ થાય છે. વિદેશમાં ફસાયેલા તમામ યુવાનો પોતાના પરિવારનો આધાર છે. જો આધાર છીનવાઈ જશે તો એમના પરિવારનું ભરણ પોષણ કોણ કરશે. જોકે આ યુવાનો દ્વારા વિડીયો દ્વારા સરકારને રજુઆત સાથે મદદની માગ કરી છે ત્યારે જો સરકાર આ લોકોને અહિયાંથી જલ્દીથી જલ્દી નહિં લઇ જાય તો આ લોકોની સમાધી અબુધાબીમાં બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

(3:44 pm IST)