Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

એમપી : મુખ્યમંત્રી કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા

મુખ્યમંત્રી કમલનાથ સરકાર માટે મુશ્કેલી સર્જાઈ શકે : લોકસભાની ચૂંટણીમાં ભાજપે ૨૯ પૈકીની ૨૮ સીટ જીતી લીધા બાદ કોંગ્રેસની મુશ્કેલી વધી : આક્ષેપ પ્રતિ આક્ષેપ

ભોપાલ, તા. ૨૪ : લોકસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી લીધા બાદ એકબાજુ કેન્દ્રમાં સરકાર બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી ચુકી છે ત્યારે બીજી બાજુ મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ સરકારની મુશ્કેલી પણ વધી રહી છે. કમલનાથ સરકાર કઈ રીતે પડકારને પાર પાડી શકશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. ૧૧મી જાન્યુઆરીના દિવસે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે, જે દિવસે પાર્ટીનું નેતૃત્વ ઈચ્છશે તે જ દિવસે ભાજપની સરકારની મધ્યપ્રદેશમાં વાપસી થઈ જશે. લોકસભા ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર બેચેન છે. સત્તાધારી કોંગ્રેસ પાર્ટીને લાગે છે કે, એવા સંકેત મળી રહ્યા છે કે, દિલ્હીમાં ભાજપ તરીફથી સુચના આપવામાં આવી છે. ગુરુવારના દિવસે એવા સંકેત મળવા લાગી ગયા હતા કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ રાકેશ સિંહે મુખ્યમંત્રી કમલનાથ પાસેથી નૈતિક આધાર પર રાજીનામાની માંગ કરી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું કહેવુ છે કે, કોંગ્રેસે પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો છે. ભાજપે સંકેત આપ્યા છે કે, આવનાર દિવસો કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર માટે સારા રહેનાર નથી. જોકે, ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી બહુમતિના પરિક્ષણ માટે કોઈ પણ વાત કરી નથી. પરંતુ પાર્ટીએ રાજ્યના બજેટને રજુ કરતા પહેલા કમલનાથ સરકારને બહુમતિ પુરવાર કરવાનો પડકાર ફેક્યો છે. મધ્યપ્રદેશ સરકાર ઉપર સંકતના વાદળો ગેરાય ચુક્યા છે. એમ પણ માનવામાં આવે છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર જો બહુમતિ પુરવાર કરવામાં નિષ્ફળ રહેશે તો વિજયવર્ગીયે મુખ્યમંત્રી પદની સ્પર્ધામાં સૌથી આગળ રહેશે. મંગળવારના દિવસે જ તેમણે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ આ સરકાર ૨૨ દિવસની અંદર પડી જશે. ગુરુવારના દિવસે વિજયવર્ગીયે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં સ્થિતિ ખુબ જ સારી રહી નથી. ભાજપ દ્વારા સરકારને લઈને એક પછી એક મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસ સરકારના મંત્રી રહેલા જીતુ પટવારીએ કહ્યું છે કે, સરકારને કોઈ પણ પ્રકારનો ખતરો નથી. તેમણે કહ્યું છે કે, રાજ્ય સરકાર ઉપર કોઈ સંકટ નથી. ભાજપ દ્વારા કોઈ પણ પગલા લેવાશે તો પણ સરકારને કોઈ અડચણ ઉભી થશે નહી. કોંગ્રેસ સરકાર પાંચ વર્ષ માટે આવી છે અને લોકો માટે કામ કરશે. એવી કોઈ શક્યતા નથી કે, કોંગ્રેસની સાથે જે ધારાસભ્યો છે તે ભાજપમાં જતા રહેશે.

(7:49 pm IST)