Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મોદી સામે કયા મોટા ૧૦ પડકારો છે ?

આગામી ૧૦૦ દિવસ મહત્વના

નવી દિલ્હી તા. ૨૪ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામ પછી જે રીતે એનડીએને પ્રચંડ વિજય મળ્યો હતો અને પ્રજાના આશિર્વાદ મળ્યા હતા તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર માન્યો હતો. તેમણે વિજય પછીને સંબોધનમાં જણાવ્યું કે, 'જનતાએ આ ફકીરની ઝોલી ભરી દીધી છે. હું દેશની ૧૩૦ કરોડની પ્રજા સામે નતમસ્તક છું. મોટો જનાદેશ મળવાથી જવાબદારી પણ મોટી થઈ જાય છે. હું એક પણ કામ ખોટા ઇરાદા સાથે નહી કરું. ચૂંટણી દરમિયાન કોણે મારા માટે શું કહ્યું તે વાત જૂની થઈ ગઈ છે. હવે ભવિષ્ય સામે જોવાનું છે.'

પીએમ મોદીએ કહ્યું હતું કે, '૨૦૧૪માં ઘણા લોકો મને જાણતા ન હતા, તેમ છતાં મને જનાદેશ આપ્યો હતો. ૨૦૧૯માં તમે મને જાણ્યા પછી વધુ શકિત પ્રદાન કરી છે. હું તેના પાછળની મનોકામના સમજું છું. વિશ્વાસ વધવાની સાથે જ જવાબદારી વધી જાય છે.'

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં આટલો પ્રચંડ વિજય મેળવ્યા પછી વડાપ્રધાનની ખુરશી પર બેસતાની સાથે જ નરેન્દ્ર મોદીને અનેક પડકારોનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય ચે કે, ૨૦૧૪માં પ્રથમ વખત ચૂંટાયા પછી વડાપ્રધાન મોદી ૧૦૦ દિવસનો પ્રોગ્રામ લઈને આવ્યા હતા. આ વખતે પણ પીએમ મોદીની આગેવાની એનડીએ સરકારને આગામી ૧૦૦ દિવસમાં આ પડકારોનો સામનો કરવાનો રહેશે.

૧. મહારાષ્ટ્રમાં ભીષણ દુષ્કાળઃ મહારાષ્ટ્રના લગભગ છ જિલ્લા દુષ્કાળથી પ્રભાવિત છે. ખાસ કરીને વિદર્ભમાં તો પરિસ્થિતિ અત્યંત ખરાબ છે.

૨. ક્રૂડ ઓઈલના ભાવઃ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉથલ-પાથલ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આથી, પેટ્રોલ-ડીઝલના ભાવને કાબુમાં રાખવા મોટો પડકાર હશે.

૩. જમ્મુ-કાશ્મીરમાં શાંતિઃ ૨૦૧૪ પછી ભારતીય સુરક્ષા દળો જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે કડક હાથે કામ લઈ રહ્યા છે. જોકે, તેમ છતાં અહીં શાંતિ સ્થાપી શકાઈ નથી.

૪. પાકિસ્તાન સાથેના સંબંધોઃ આઝાદી પછી આ સમસ્યા યથાવત છે. છેલ્લા કાર્યકાળમાં પીએમ મોદીએ પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સંબંધો સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પડોશી દેશે નિરાશ કર્યા હતા.

૫. આતંકવાદનો સફાયોઃ દેશમાં જે રીતે જુદા-જુદા સ્વરૂપમાં આતંકવાદ પગ ફેલાવી રહ્યો છે, તેને રોકવો પણ મોટો પડકાર હશે.

૬. આર્ટિકલ ૩૭૦, ૩૫-એ અંગે નિર્ણયઃ આ મુદ્દે ભાજપનો મુખ્ય એજન્ડા છે. હવે એ જોવાનું છે પ્રચંડ બહુમત મળ્યા પછી સત્તામાં આવેલી સરકાર આ એજન્ડાને પુરો કરશે કે નહીં.

૭. નકસલવાદ પર ગાળિયોઃ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્ત્।ર-પૂર્વના રાજયોમાં નકસલવાદીઓનું જોર સતત વધતું જઈ રહ્યું છે. આથી તેના પર ગાળિયો કસવો પણ પીએમ મોદી સામે મોટો પડકાર હશે.

૮. કેન્દ્ર-રાજયો વચ્ચે તાલમેલઃ ભાજપની સરકાર પર આરોપ લાગતા રહ્યા છે કે તે બીનભાજપ શાસિત રાજયો સાથે તાલમેલ બેસાડી શકતા નથી. આથી, તેમના કાર્યકાળમાં આ મોરચાને સારી રીતે હેન્ડલ કરવાનો પડકાર રહેશે.

૯. ૪ રાજયોની ચૂંટણીઃ આ વર્ષે જ મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચાર રાજયોમાં કેન્દ્રની જેમ જ ફરીથી સત્તા હાંસલ કરવી મોટો પડકાર રહેશે.

૧૦. ઘુસણખોરીઃ પાકિસ્તાનની સરહદની સાથે પશ્ચિમ બંગાળ, ઉત્ત્।ર-પૂર્વના રાજયોમાં ગેરકાયદેસર રીતે પડોશી દેશના નાગરિકોની ઘુસણખોરી મુખ્ય સમસ્યા છે. રોહિંગાય ઘુસણખોરી પણ સૌથી મોટી સમસ્યા છે.

(4:06 pm IST)