Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મત ગણતરી પ્રક્રિયા મધરાત સુધી ધમધમી પ્રત્યેક બુથ દીઠ રૂ. ૪૦ હજારનો ખર્ચ

શાંતિપૂર્ણ રીતે મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થતા કલેકટર તંત્રને હાશકારો :સમગ્ર પ્રક્રિયા દરમિયાન ૮ કરોડનો ખર્ચ : ૩ કરોડ આવી ગયાઃ બાકીના ખર્ચ માટે માંગણી મુકાશે

રાજકોટઃ તા.૨૪, લોકસભા ચૂંટણીની ગઇકાલે મતગણતરી મોડી રાત સુધી ધમધમતી રહી હતી. કલેકટર તંત્ર દ્વારા આ અંગે અગાઉથી જ પૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. મતગણતરી બાદ તમામ ઇવીએમ-વીવીપેટને જંકશન પ્લોટ ખાતેના પુરવઠાના ગોડાઉનના સ્ટ્રોંગ રૂમમાં મુકી દેવામાં આવ્યા છે.

કલેકટર રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તંંત્ર દ્વારા ગઇકાલે કણકોટ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. આ અંગે તંત્રને એક બુથ દીઠ લગભગ ૪૦ હજાર જેટલો ખર્ચ થયો છે. જેમાં ચૂંટણી ફરજમાં રહેલ કર્મચારીઓનો પગાર, ટેબલ-ખુરશીનું ભાડૂ, પાણી, લાઇટ બીલ તથા  અન્ય ખર્ચનો સમાવેશ થાય છે.  સમગ્ર પ્રક્રિયામાં કુલ ૮ કરોડનો ખર્ચ થયો છે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા ૩ કરોડ અગાઉથી ફાળવી દેવામાં આવેલ.

વધુના ખર્ચ માટે દરેક વિધાનસભાના હિસાબ આવ્યા બાદ વધુ ૫ કરોડ માટે ચૂંટણી પંચ પાસે માંગણી કરવામાં આવશે. રાત્રે ૨ વાગ્યા સુધી મતગણતરી પ્રક્રિયા ચાલી હતી. ત્યારબાદ મામલતદારે ખાસ રીપોર્ટ મુખ્ય ચૂંટણી અધિકારીને સોંપ્યો હતો. મતગણતરી શાંતિપૂર્ણ રીતે થતા સમગ્ર કલેકટર તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

(4:12 pm IST)