Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મોદી ૩૦ મેએ વડાપ્રધાન તરીકે શપથ લેશે

શપથવિધિ પહેલાં મોદી માતા હીરાબાનાં આશીર્વાદ લેવા ગાંધીનગર નિવાસસ્થાને જાય એવી ધારણા

નવી દિલ્હી તા. ૨૪ : ૧૭મી લોકસભા માટેની ચૂંટણી જીતીને પોતાની સત્તા જાળવી રાખનાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન તરીકે આવતી ૩૦ મેના ગુરૂવારે નવી દિલ્હીમાં શપથ ગ્રહણ કરશે એવી સૂત્રો તરફથી માહિતી છે.

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ ગ્રુપે ૩૫૪ બેઠક જીતીને ફરી સત્તા પ્રાપ્ત કરી છે. સત્તા મેળવવા માટે ઓછામાં ઓછી ૨૭૨ બેઠક જીતવી પડે. ભાજપે એકલે હાથે જ ૨૯૮ બેઠકો જીતી છે.

નરેન્દ્ર મોદીનો શપથવિધિ સમારોહ ૩૦ મેએ સાંજે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે યોજાશે.

શપથવિધિના દિવસ પહેલાં મોદી ગુજરાત જાય એવી ધારણા છે. તેઓ એમના માતા હીરાબાનાં આશીર્વાદ લેવા ગાંધીનગર નિવાસસ્થાને જાય એવી ધારણા છે.

મોદી ૨૮ મેએ ગુજરાતમાં ધન્યવાદ રેલીને સંબોધિત કરે એવી પણ માહિતી છે. એવો જ રોડશો એમના મતવિસ્તાર વારાણસીમાં પણ યોજાશે એવી ધારણા છે.

દરમિયાન, ચૂંટણીના પરિણામ બાદ હવે સૌની નજર છે, NaMo-2 સરકારની રચના પર. મોદીની કેબિનેટની બેઠક આજે સાંજે મળવાની છે. નવી કેબિનેટમાં અમુક ફેરફારો કરાય એવી ધારણા છે.

ગૃહ અને નાણાં જેવા મહત્ત્વનાં મંત્રાલયોમાં ફેરફાર કરાય એવી ધારણા છે. ભાજપપ્રમુખ અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવે એવી ધારણા છે. અમિત શાહને જો કેબિનેટમાં સ્થાન અપાશે તો ભાજપપ્રમુખનું સ્થાન ખાલી પડશે.

નાણાં પ્રધાન તરીકે અરૂણ જેટલીની જગ્યાએ કોઈક અન્યની નિમણૂક કરાય એવી ધારણા છે. પીયૂષ ગોયલ કદાચ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે.

(3:55 pm IST)